અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સોલા ગામ અને જગતપુર ગામ પાસે બનાવવામાં આવનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ને લઈ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. સોલા ગામ અને જગતપુરમાં આસપાસની સોસાયટીઓમાં હજારો લોકો રહે છે. જેથી સ્થાનિકો કહી રહ્યાં છે કે, મોટી સંખ્યામાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પ્લાન્ટ સામે વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિકોએ કહ્યું છે કે, સ્વાસ્થ્યને અસર થવાની આશંકા સાથે ચિંતા દર્શાવી છે. શાળા અને રહેણાંક વિસ્તાર હોવાને લઈ પ્લાન્ટ અહીં નહીં બનાવવા માટે માંગ કરવામાં આવી છે.
સોલા ગામ અને જગતપુર ગામ પાસે બનાવવામાં આવનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. ભાજપના કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી કે, આ રહેણાંક વિસ્તારોમાં એસટીપી પ્લાન્ટ બનવાને લઈ સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના સત્તાધrશોએ પ્રજાના હિતની કોઈપણ વાત સાંભળ્યા વિના જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લીધો છે. જેને લઈને હવે સ્થાનિકો વિરોધ પર ઉતરી આવ્યા છે અને ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે.
સ્થાનિકોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો છે. જગતપુર ગામ અને સોસાયટીના વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ કહ્યું હતુ કે, વિકાસ માટે વિરોધ હોતો નથી, પરંતુ સ્થાનિકોના સ્વાસ્થ્યને અસર પહોંચે એવી ચિજોને લઈ વિરોધ દર્શાવ્યો છે. અહીં પહેલા ગાર્ડન બનાવવાનો હતો એવો પણ દાવો સ્થાનિકોએ કર્યો હતો. જેને બદલે હવે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ગટરના પાણીને ટ્રીટ કરવા માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે છે. જે શહેરના બહારના ભાગે જ્યાં રહેણાંક વિસ્તાર ન હોય ત્યાં બનાવવામાં આવતો હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા સોલા ગામ અને જગતપુર પાસે નવો પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લીધો છે જેને લઈ સોલા ગામના રહીશો અને આસપાસની સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો છે.