અમદાવાદ : ગુજરાત વિધાનસભા વધુ એક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી જુલાઈ માસમાં ‘યુવા સંસદ’ એક દિવસીય સત્રનું આયોજન કરાશે, જેમાં ધારાસભ્યો તરીકે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બિરાજમાન થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે, 182 વિદ્યાર્થીને ધારાસભ્ય તરીકે બોલાવાશે. આ વિદ્યાર્થીઓમાંથી જ એક વિદ્યાર્થી મુખ્યમંત્રી બનશે, એક વિદ્યાર્થી વિપક્ષ નેતા બનશે, જ્યારે એક વિદ્યાર્થીને અધ્યક્ષ બનાવાશે અને બાકીના 179 વિદ્યાર્થી ધારાસભ્ય તરીકેની ભૂમિકા અદા કરશે.
વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી કાળ હોય છે એ જ રીતે વિદ્યાર્થીઓ માટે આયોજિત વિધાનસભા સત્રમાં પણ પ્રશ્નોત્તરી કાળ યોજાશે, જેમાં ધારાસભ્ય તરીકે બેઠેલા વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછશે. પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓમાંથી જ મંત્રી બનાવાશે, જે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્નોના જવાબ આપશે.
દેશમાં સૌપ્રથમ વખત યોજાઈ રહેલી વિદ્યાર્થીઓની સંસદમાં વિધાનસભા તંત્ર દ્વારા લોકોને આમંત્રણ આપવા માટેનું પણ આયોજન કરાયું છે. અંદાજે 400 લોકોને આમંત્રણ આપવામાં આવશે, જેમને પ્રેક્ષક ગેલરીમાં બેસાડવામાં આવશે.