અમદાવાદ : અમદાવાદમાં પહેલા જ વરસાદે AMCની વિકાસની વાતોની આબરૂના લીરેલીરા ઉડાડી દીધા છે. AMCની વિકાસની મોટી મોટી વાતોની વચ્ચે નાના મોટા ગાબડાં પડ્યા છે. ઘાટલોડિયામાં આવેલ 17 વર્ષ જૂના ચાણક્યપુરી ઓવરબ્રિજમાં ગાબડું પડ્યાના ફોટો-વીડિયો વાઈરલ થતાં AMC દોડતું થયું હતું. બ્રિજની ઉપરની ભાગે ડામર ઉખડી ગયો, સળિયા પણ દેખાવા લાગ્યા છતાં પણ બ્રિજ પ્રોજેક્ટના અધિકારીઓના ધ્યાને આ ખાડો આવ્યો નહોતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા 17 વર્ષ જૂના ચાણક્યપુરી ઓવરબ્રિજ પર થોડા દિવસ પહેલા ડામર ઉખડી ગયો અને ખાડો પડ્યો હતો. જે ખાડો ધીમે-ધીમે મોટો થતો ગયો હતો અને બ્રિજના સળિયા દેખાવા લાગે એવા ખાડામાં પરિવર્તિત થઈ ગયો હતો. આ ખાડાના કારણે અનેક વાહનચાલકોને અવરજવરમાં તકલીફ પડી રહી હતી. બ્રિજ પરના ખાડાના આ ફોટો-વીડિયો વાઈરલ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના ધ્યાને આ વાત આવી અને તુરંત જ ખાડાને પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઘાટલોડીયાના કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર જતીન પટેલના ધ્યાને બ્રિજ પર ખાડો પડ્યો હોવાનું આવતા બ્રિજ પ્રોજેક્ટના અધિકારીઓનું દોરવામાં આવ્યું હતું. જોકે, આજે ફરી એકવાર આ ખાડાના ફોટા-વીડિયો વાઈરલ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ અને ઇજનેર વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને ખાડો પૂરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ બાબતે બ્રિજ પ્રોજેક્ટ અને ઇજનેર વિભાગના અધિકારીઓની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.