અમદાવાદ : અમદાવાદમાં ઉસ્માનપુરામાં રહેતી મહિલા બેંગકોક ફરવા ગઈ હતી. તે સમય દરમિયાન મહિલાના ઘરમાંથી તસ્કરોએ 4.21 લાખ રૂપિયાની કિંમતની દાગીનાની ચોરી કરી છે. મહિલાને પાડોશી દ્વારા જાણ થતાં મહિલાએ પોતાના પતિ દ્વારા તપાસ કરાવી હતી. મહિલાએ બેંગકોકથી પરત આવીને ચોરી મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઉસ્માનપુરામાં રહેતા કિંજલ પટેલની વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, તેઓ તેમની દીકરી અને માતા સાથે રહે છે. 28 જુલાઈએ તેઓ બેંગકોક ગયા હતા ત્યારે તેમના માતા રાજકોટ ગયા હતા અને દીકરીને એક સબંધીના ઘરે મૂકી હતી.1 ઓગસ્ટે તેમના ફોન પર પાડોશીએ ફોન કરીને જાણ કરી હતી કે, તેમના ઘરનું તાળું તૂટેલી હાલતમાં છે. જેથી, તેઓએ તેમના પતિને ઘરે જઈને તપાસ કરવા જણાવ્યું હતું.
તેમના પતિએ ઘરે જઈને તપાસ કરી ત્યારે સામાન વેરવિખેર પડેલા હતો. 3 ઓગસ્ટે કિંજલબેને આવીને તપાસ કરી ત્યારે ઘરના તિજોરીમાં રાખેલા સોના અને ચાંદીના ચોરી થયેલા હતા.આ અંગે કિંજલબેને વાડજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.