અમદાવાદ : અમદાવાદના વાસણા બેરેજ રોડ ઉપર એકતા એપાર્ટમેન્ટ નજીક આવેલા સિદ્ધશીલા ફ્લેટના ત્રીજા માળે આવેલા મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘરના મુખ્ય ડ્રોઈંગ રૂમમાં ઇલેક્ટ્રીક વ્હીકલની બેટરી ચાર્જિંગમાં મૂકી હતી. જેમાં શોર્ટ સર્કિટ થતા ધડાકા થયા હતા. જેના પગલે આખા રૂમમાં આગ ફેલાઈ ગઈ હતી ઘરમાં રહેલા ત્રણ લોકો આગથી બચવા માટે બેડરૂમમાં આવેલી બારીના છત ઉપર બેસી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા જમાલપુર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગને કાબુમાં લેવામાં આવી હતી. ત્રણેય વ્યક્તિને સીડી વડે ફાયર બ્રિગેડની ટીમે સહી સલામત નીચે ઉતાર્યા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ, ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે વાસણા બેરેજ રોડ ઉપર આવેલા સિદ્ધશીલા ફ્લેટમાં ત્રીજા માળે આગ લાગી છે અને લોકો ફસાયા છે. જમાલપુર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર સંતોષ પટેલ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થયો હતો. ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે જોયું તો ત્રીજા માળે બારીની જગ્યામાં છજા પર બે મહિલાને એક યુવક બેઠેલા હતા. ફાયર બ્રિગેડના એક સ્ટાફ દ્વારા સીડી લાવી ત્રણેયને નીચે ઉતારવાની કામગીરી શરૂ કરી હતી. જ્યારે મકાનમાં લાગેલી આગને કાબુમાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી.
સ્ટેશન ઓફિસર સંતોષ પટેલે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફ્લેટમાં ત્રીજા માળે આવેલા મકાનના મુખ્ય ડ્રોઈંગ રૂમમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રોનિક વ્હિકલ બાઇકની બેટરી ટીવી પાસે આવેલા ચાર્જિંગ પોઇન્ટમાં ચાર્જિંગ માટે મોડી રાત્રે મૂકી હતી. જેમાં ચાર્જિંગમાં ધડાકા થતા આગ લાગી હતી. આગ સમગ્ર બેડરૂમમાં ફેલાઈ ગઈ હતી અને ટીવી ફર્નિચર સહિતનો સામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો. ઘરમાં રહેલા ભાઈ બહેન અને મહેતા આગથી બચવા માટે બેડરૂમમાં દરવાજો બંધ કરી બારીમાં આવેલા છજા ઉપર બેસી ગયા હતા.
આગ લાગવાના કારણે ધુમાડો ઘરમાં વધુ ફેલાઈ ગયો તો પરંતુ દરવાજો બંધ હોવાના કારણે ખૂબ વધારે અસર થઈ નહોતી તાત્કાલિક ધોરણે સીડી મૂકી તીર્થ શાહ(ઉ.વ 20), ખુશી શાહ(ઉ.વ 16)અને ભૂમિકા શાહ(ઉ.વ 45)ને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત શાહ પણ ઘર પાસેથી પસાર થતી ફાયરબ્રિગેડની ગાડીનો અવાજ સાંભળી તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા.
દિન પ્રતિદિન ઇલેક્ટ્રીક વ્હીકલની બેટરીના ચાર્જિંગમાં આગ લાગવાની ઘટના વધી રહી છે. બે દિવસ પહેલા અસારવા વિસ્તારમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ના શો રૂમમાં બેટરીમાં આગ લાગવાના કારણે આખો શોરૂમ બળીને ખાસ થઈ ગયો હતો. આજે લાગેલી આગ પણ ઈલેક્ટ્રીક વ્હીકલની બેટરીના ચાર્જિંગમાં જ આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ કરવા માટે ફ્લેટના પાર્કિંગમાં કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવા નથી લોકો બેટરી ચાર્જ કરવા માટે ઘરમાં લઈ જાય છે અને ચાર્જિંગ કરે છે ત્યારે વધારે લોડ હોવાથી આગ લાગવાની શક્યતા વધારે રહેલી છે.