અમદાવાદ : રાજ્યમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે લગભગ મોટાપાયે દારૂ પકડાઈ રહ્યો છે. ઘણી જગ્યાએ લોકો પાર્ટી કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વિદેશી દારૂની મહેફિલો માણતા લોકોને પોલીસ અવારનવાર પકડી પાડતી હોય છે ત્યારે શહેરમાં ઘરમાં બેસીને દારૂની મહેફિલ માણતા લોકોને પોલીસે પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં પોલીસે 6 નંગ વિદેશી દારૂની બોટલો કબજે કરીને ત્રણ લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત રોજ ઘાટલોડિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, ગુરૂકુળ રોડ વિશ્રામનગર પાસે શ્યામનગર સોસાયટીમાં એક બંગલામાં કેટલાક ઈસમો દારૂની મહેફિલ માણી રહ્યાં છે. બાતમીને આધારે પોલીસે મહેફિલ વાળા સ્થળે શ્યામનગર સોસાયટીમાં બાતમીવાળા બંગલામાં રેડ કરી હતી. અને મહેફિલમાં ભંગ પાડ્યો હતો. આ દરમિયાન મકાનના બેઠક રૂમમાં મોટે મોટેથી લવારીઓ કરતાં લોકોનો અવાજ આવતો હતો.પોલીસે ઘરમાં જઈને જોયું તો સોફા પર ત્રણ લોકો બેઠા હતાં અને ટેબલ પર ગ્લાસમાં દારૂ ભરેલો હતો.
પોલીસે ત્યાં હાજર લોકોનું નામ પુછતાં તેમણે અશ્વિનકુમાર નટવરલાલ ઠાકર, ઈન્દ્રજિતસિંગ ગુલઝારસિંગ ગીલ અને રાજેન્દ્ર કિશનભાઈ પદ્મશાળી હોવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂની મહેફિલ પાછળનું કારણ જણાવતાં અશ્વિન ઠાકરે જણાવ્યું હતું કે, તે અમેરિકાથી લાંબા સમય બાદ ભારત આવ્યા છે અને તેથી જ મિત્રો સાથે પાર્ટી કરી રહ્યાં હતાં.પોલીસે 8370નો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.