અમદાવાદ : શહેરના CTM ના ડબલ ડેકર ઓવરબ્રિજમાં બરોડા એક્સપ્રેસ વે તરફ જતાં બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. છેલ્લા એક મહિનાથી ખાડાઓ પડવાના લીધે વાહનચાલકો રીતસર પટકાઈ રહ્યા છે. આ ખાડા પૂરવા માટે મ્યુનિ તંત્રને કોઈ રસ જ નથી ત્યારે આવા ડબલ ડેકર બ્રિજ પર કોઈ દૂર્ઘટના ઘટે ત્યારબાદ તંત્ર દોડતુ થશે કે કેમ ? જેવા અનેક સવાલો ઊઠવા લાગ્યા છે. ત્યારે વાહનચાલકોના હીતમાં તાકિદે બ્રિજમાં પડેલા ખાડાનું સમારકામ કરવા લોકમાગ ઊઠી છે.
આ અંગે સ્થાનિકના જણાવ્યા મુજબ, શહેરના નેશનલ હાઈવે નંબર 8 પર CTM ચાર રસ્તા પર ડબલ ડેકર ઓવરબ્રિજ પર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે. હાટકેશ્વરથી આવતા વાહનચાલકો બરોડા એક્સપ્રેસ હાઈવે જવા માટે ડબલ ડેકર બસનો ઉપયોગ કરતા હોય છે.ઉપરાંત એસટી બસ સહિત લકઝરી બસો સહિતના ભારે વાહનો સહિતના વાહનો પણ આ બ્રિજનો ઉપયોગ કરે છે. ત્યારે આ બ્રિજમાં છેલ્લા એક મહિનાથી ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તેમાં પણ બ્રિજમાંથી વાહન ઉતરતી વખતે જ ખાડા હોવાના કારણે સ્પીડમાં આવતા વાહનો તેમાં પટકાતા હોય છે.
ઘણીવાર વાહન ખાડામાં પટકાવાના લીધે ચાલક ક્ષણિક માટે બેલેન્સ ગુમાવી દે છે. એટલે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. મ્યુનિ.તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં બ્રિજ પર પડેલા ખાડા પુરવા માટે કોઈ તસ્દી લેવાતી નથી.CTM ડબલ ડેકર બ્રિજ પર ખાડા પડ્યા અંગે સ્થાનિક દ્વારા મ્યુનિમાં ઓનલાઈન ફરિયાદ કરવામાં આવતા ફરજ પરના કર્મચારીએ બ્રિજની ફરિયાદ અમે લેતા નથી તેવો જવાબ આપી ફરિયાદ નોંધવાનો ઈન્કાર કર્યો હતો.
એટલે કોઈ મોટો અકસ્માત સર્જાય પછી બ્રિજમાં પડેલા ખાડાનું સમારકામ શરૂ કરાશે ? કે બ્રિજનો તમામ રસ્તો ખરાબ થઈ જાય બાદમાં કે લોકો આંદોલન કરીને રસ્તાનું સમારકામ કરવા રોડ પર ઉતરી આવે પછી કામગીરી કરાશે ? જેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.