અમદાવાદ : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ-હત્યાના બનાવ બાદ ગુજરાતભરના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઊતર્યા હતા. 16 ઓગસ્ટથી ઇમર્જન્સી સેવા સિવાયની તમામ સેવાઓ અનિશ્ચિત કાળ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.જોકે આખરે 6 દિવસ બાદ એટલે કે 21મી ઓગસ્ટે સાંજે હડતાળનો અંત આવી ગયો છે. રાજ્ય સરકારે ડોક્ટર્સની સુરક્ષા માટે CRPF તહેનાત કરવા સહિતની માંગો સ્વીકારી લીછી છે. જે બાદ આવતીકાલથી બી.જે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ ફરજ પર પરત ફરશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જુનિયર ડોક્ટર એસોસિયેશને જણાવ્યું હતું કે આજે CRPF તહેનાત કરવા સહિતની અમારી સુરક્ષા અંગે રાજ્ય સરકાર દ્વારા તમામ માગો પૂરી કરવાની ખાતરી આપવામાં આવી છે, જેથી અમે બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર હડતાલ પૂર્ણ કરવા સહમત થયા છે. અમે અમારી ફરજ પર પરત ફરીએ છીએ.આવતીકાલથી બી.જે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ ફરજ પર પરત ફરશે.
હકીકતમાં કોલકાતામાં 31 વર્ષીય મહિલા તબીબની ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખવામાં આવી હતી. ટ્રેઈની ડોક્ટર પર થયેલા આ અત્યાચારથી દેશભરમાં રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને તબીબોમાં ઘટનાનો વિરોધ નોંધાવીને ન્યાયની માંગણી સહિત હોસ્પિટલમાં તબીબોને સુરક્ષા આપવા સહિતની વિવિધ માંગણીઓને લઈને 16 ઓગસ્ટથી હડતાળ પર ઉતર્યા હતા.
અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર્સ દ્વારા 6 દિવસથી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેને લઈને OPD અને વોર્ડ સર્વિસ બંધ રખાતા ઘણા દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જોકે તબીબોએ ઈમરજન્સી સેવા ચાલુ રાખી હતી. તમામ તબીબો કોલેજના કેમ્પસમાં જ હડતાળ પર બેઠા હતા અને રેલી પણ યોજી હતી. જેમાં કોલકાતાના મહિલા ડોક્ટર માટે ન્યાય તથા હેલ્થવર્કર્સ માટે સુરક્ષાનો કાયદો બનાવવા માંગ કરી હતી.