અમદાવાદ : પ્રખ્યાત ગાયક અને ભાજપના નેતા વિજય સુવાળા સામે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદમાં વિજય સુવાળાના ભાઇ યુવરાજ સુવાળાનું પણ નામ સામેલ છે. જાણકારી મુજબ વિજય સુવાળા સહિત 13 લોકો સામે નામજોગ સહિત 30ના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામા આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફ વિજય સુવાળા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ, દિલીપ ઠાકોર, હીરેન દિલવાલા, જિગર ભરવાડ, નવધણસિંહ, ભાથીભા, રેન્ચુ શેઠ સહિત 30 ના ટોળા સામે ફરિયાદ ધમકી તેમજ હુમલાની કોશિશ કરવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરવામા આવ્યો છે કે, ધોકા અને પાઇપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ અને ફરિયાદની ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપી હતી. આ દિનેશ દેસાઇ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે. જો કે આ મામલે વિજય સુવાળા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામા આવી નથી.
જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હતા પરંતુ ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા તેઓ આંતરિક વિખવાદના કારણે નારાજ થઇને AAP સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.17મી જાન્યુઆરીએ લોકગાયક વિજય સુવાળાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તે દરમિયાન વિજય સુવાળાએ કહ્યુ હતુ કે, મારો પરિવાર 3 પેઢીથી ભાજપમાં છે. ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. પાટિલના દિલમાં હું છું. પાટીલ સાહેબ મને દીકરાની જેમ રાખે છે. ભાજપથી સારું સંગઠન મેં જોયું નથી. લોકસેવા માટે હું ગ્રાઉન્ડ પર ઉતરીશ.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના નેતાઓના કાંડ સામે આવી રહ્યા છે. જેમાં ભ્રષ્ટાચાર, રેપ, સહિતની ફરિયાદો ભાજપના નેતાઓ સામે થઈ છે ત્યારે હવે ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળા ગુંડાગર્દી પર પણ ઉતરી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. અન્ય નેતાઓની જેમ વિજય સુવાળા પણ ભાજપમાં હોવાથી કાયદાનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ દાદાગીરી કરતા જોવા મળ્યા છે. શું ભાજપમાં જોડાયા બાદ કોઈને પણ કાયદો હાથમાં લેવાની પરવાનગી મળી જાય છે ? જે પ્રમાણે ભાજપના નેતાઓ સામે પોલીસ પણ ઢીલી નિતી અપવાની રહી છે તેમ જોતા આવા નેતાઓને કાયદો હાથમાં લેવાનો ખુલ્લો દોર મળી ગયો છે. ત્યારે હવે વિજય સુવાળા સામે ફરિયાદ નોધાયા બાદ તેમની સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું..