અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નબીરાઓ લક્ઝુરીયસ ગાડીઓ લઇને ગાંધીનગર-અમદાવાદ સહિતના શહેરોના રસ્તાઓને બાનમાં લીધા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ નબીરાઓને પોલીસનો કોઇ ડર ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ હવે અમદાવાદમાં પણ નબીરાઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ રસ્તા પર દોડાવીને રોફ જમાવતા જોવા મળ્યા હતા. બાપના રૂપિયે તાગડધિન્ના કરતા આ હરામખોરોને કોઈ પૂછનાર નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં એસજી હાઇવે અને સિંધુ ભવન રોડ પરથી નબીરાઓ સાતથી આઠ ગાડીઓ લઇને નીકળ્યા હતા. ઓવરસ્પિડમાં નીકળેલા નબીરાઓની ગાડીમાં નંબર પ્લેટ પણ નહતી. એક સાથે આઠ ગાડી લઇને નીકળેલા નબીરાઓ પોલીસની સામેથી જ નીકળ્યા ત્યારે પોલીસ પણ તેમને જોતી જ રહી હતી. રસ્તા પર ફરતા આ ગાડીધારીની સામે કોઈ આકરી કાર્યવાહી થઈ રહી નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમદાવાદ હજી પણ તથ્ય પટેલ જેવા બીજા કાંડની રાહ જોઈ રહ્યુ છે. રસ્તા પર રખડતા આ હરામખોરોએ રીતસરનો પોલીસને પડકાર ફેક્યો છે કે કોના બાપની તાકાત છે કે અમને કંઇક કરી શકે. પોલીસના બાપની પણ તાકાત નથી કે અમારું કંઈ ઉખાડી શકે, બધી પોલીસને અમે બાપના પૈસાની તાકાતના ખિસ્સામાં લઈ ફરીએ છીએ.
રસ્તા પર આ લોકો જ્યારે રેસ લગાવે છે ત્યારે પોલીસ કે પોલીસના વેશમાં બેઠેલા લોકો ત્યાં તેઓની વાહ-વાહ કરીને તેઓને પારો ચઢાવે છે. આ જાણે નવી ચાપલૂસોની ફોજ તેમણે રૂપિયાના જોરે ઊભી કરી દીધી છે. આ રસ્તો તેમના બાપનો નથી કે તેઓ આ આ રીતે ટ્રાફિકના નિયમોને મૂકીને ગાડી ચલાવે. તેઓએ આ રીતે ગાડી ચલાવવી હોય તો તેમના બાપને કહે કે તેના માટે તેમને રસ્તા બનાવી આપે. તેમના માટે બીજો કોઈ શહેરીજનનો જીવ જોખમમાં ન મૂકે.
તથ્યકાંડ પછી ગુજરાત હાઇકોર્ટે હાઇવે પર લગાવવા માટે આપેલા બધા ચેતવણી જનક સંકેતો હાઇવે પર વહેલા લોકોના લોહીની જેમ જ વહી ગયા છે. આ નબીરાઓને ગાડી આપતા તેમના માબાપોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે રસ્તા પર તેમના નબીરાઓ ફરતા નથી, બીજાના સંતાનો પણ ફરે છે અને તેમને પણ જીવવાનો અધિકાર છે. તેમણે કંઈ તમારા સંતાનોની ગાડીઓ નીચે આવીને કચડાઈ જવા માટે જન્મ લીધો નથી. આ તેમને ભારતીય બંધારણે આપેલો અધિકાર છે. તે તમારી ગાડીઓના પૈડા નીચે કચડાઈ નહીં શકે.