અમદાવાદ : રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત અનેક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે મોડીરાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થયો હતો. ત્રણ વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે શહેરના મીઠાખળી પરિમલ અને અખબારનગર બ્રિજને બંધ કરવો પડ્યો હતો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. શહેરમાં સૌથી વધુ નરોડા અને મણિનગર વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ ત્રણ કલાકમાં પડ્યો હતો. પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતા 28 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા.પરિમલ અંડરપાસ અને અખબારનગર અંડરપાસ વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નરોડા વિસ્તારમાં ફરી એકવાર વરસાદે બેફામ વરસતાં મોડી રાતે લગભગ 6 ઈંચ જેટલો ખાબક્યો હતો. જોકે આવી જ સ્થિતિ મણિનગરમાં પણ જોવા મળી. ડ્રેનેજ વ્યવસ્થા બંધ હોવાને કારણે રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાશીએ મોડી રાતે ફરિયાદો કરવી પડી હતી. બીજી બાજુ વેજલપુરમાં પણ ભારે વરસાદને પગલે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. આ વિસ્તારમાં ગમે ત્યારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જવાની સ્થિતિ સામાન્ય રીતે જોવા મળતી રહે છે. તોય તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
સવારે 6 વાગે પુરા થતા છેલ્લા ચોવિસ કલાકમાં શહેરમા સરેરાશ ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. મધરાત 3 થી વહેલી સવારે 6 સુધી સમગ્ર શહેરમાં મેઘરાજાની અતિ તોફાની બેટિંગ જોવા મળી. વરસાદની આંકડા પર નજર કરીએ તો, નરોડા 6 ઈંચ, મણીનગરમાં 6 ઈંચ, સાયન્સ સિટી અને ગોતામાં 4-4 ઈંચ વરસાદ, ઓઢવ 4 ઈંચ વરસાદ વરસ્યો. ઉસ્માનપુરા, પાલડી , વાસણા, બોડકદેવ, જોધપુર, સરખેજ, રાણીપ, વેજલપુર સહિતના મહત્તમ વિસ્તારમાં દોઠથી લઇ 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે શહેરમાં અનેક ઠેકાણે વ્યાપક પાણી ભરાયા છે.
એસજી હાઈવે સહિત સાયન્સ સિટી, ગોતામાં 4-4 ઈંચ જ્યારે અમદાવાદના અન્ય વિસ્તારો જેમ કે ઉસ્માનપુરા અને ઓઢવમાં પણ 4-4 અને મેમ્કો તથા બોડકદેવમાં પણ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બીજી બાજુ વટવા, ઈસનપુર, નારોલ, ઘોડાસર સહિતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો અહીં પણ 5-6 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. જોકે આજે પણ અમદાવાદમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોટાભાગના વિસ્તારો પર કાળા ડિબાંગ વાદળોનો કબજો દેખાઈ રહ્યો છે અને ઠેર ઠેર ઝરમર-ઝરમર તો ક્યાંક ભારે વરસાદની સ્થિતિ હજુ પણ જોવા મળી રહી છે.