અમદાવાદ : સોશિયલ મીડિયામાં એસ જી હાઇવે પરનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં 10 જેટલા નબીરાઓએ એસયુવી અને લક્ઝરી કાર ચલાવીને રસ્તો બાનમાં લીધો હતો. જેના આધારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને ક્રાઇમબ્રાંચના સ્ટાફે કારના રજીસ્ટ્રેશન નંબર અને વિડીયોને આધારે રવિવારે છ યુવકોને ધરપકડ કરીને ત્રણ કાર જપ્ત કરી હતી. વસ્ત્રાલમાં રહેતા એક યુવકે નવી કાર લીધી હતી. જેની ઉજવણી કરવા માટે તેના મિત્રોએ હાઇવે પર કાર લઇ જઇને બાનમાં લીધો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત શનિવારે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને ટ્રાફિક પોલીસે વીડિયોમાં દેખાતા કારચાલકો સામે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે આ વીડિયો 18 ઓગસ્ટે બનાવી ફરતો થયો હતો. પોલીસે વીડિયોમાં દેખાતા 6 યુવકને પકડી કાર જપ્ત કરી હતી. આરોપીની પૂછપરછમાં ફરાર આરોપી મનીષ ગોસ્વામી નવી સ્કોર્પિયો કાર ખરીદવા માટે મિત્રો સાથે વસ્ત્રાલ ગયા હતા. જ્યાંથી કાર લઈને એસજી હાઈવે, સાણંદ સર્કલ ગયા હતા. જેના પગલે પોલીસે ફરાર આરોપી મનીષ ગોસ્વામીની શોધખોળ આદરી છે.
પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે વસ્ત્રાલમાં રહેતા મનીષ ગોસ્વામી નામના યુવકે નવી કાર લીધી હતી. જેની ઉજવણી કરવા માટે ગત ૧૮મી ઓગસ્ટના રોજ તેના મિત્રોએ વિવિધ કારને સાથે રાખીને હાઇવે પર સ્ટંટ કર્યા હતા. પુછપરછમાં ઝડપાયેલા યુવકોના નામ મેક્ષ પટેલ (રહે. શ્લોક એેલેન્ઝા,ગોતા), પ્રિમત સેમરિયા (રહે. તીર્થ રેસીડેન્સી, કડી), ગોવિંદસિંહ ચૌહાણ (રહે. કર્મભૂમિ સોસાયટી,ન્યુ આરટીઓ રોડ, રામોલ), મિતેષગીરી ગોસ્વામી (રહે. શીવશંકર સોસાયટી, ગોતા), આશીષ પ્રજાપતિ (રહે. શુકન એપાર્ટમેન્ટ, રાણીપ) અને ઇશ્વર રાઠોડ (રહે.હરીજી પાર્ક, વસ્ત્રાલ) હોવાનુ જાણવા મળ્યું હતું. એસ જી હાઇવે-૨ પોલીસે આ અંગે અન્ય કાર જપ્ત કરવા તજવીજ હાથ ધરી છે.
બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓે વાયરલ વિડીયોમાં દેખાતા પોલીસ કર્મચારીઓ અને ટીઆરબી જવાનોની બેદરકારીની નોંધ લીધી છે. પોલીસની નજર સામેથી નબીરાઓએ રોડને બાનમાં લીધો હતો. તેમ છતાંય, કોઇ કાર્યવાહી કરી નહોતી. જે બાબતે વિડીયોમાં દેખાતા સ્ટાફ સામે જરૂરી પગલા ભરવા માટે સુચના આપી છે.