અમદાવાદ : આચાર્ય ચાણક્ય દ્વારા ઉચ્ચારવામાં આવેલ વાક્યની ઝાંખી આપણને ડૉ.સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જીવનમાં દેખાય છે. એક મહાન તત્વચિંતક અને સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર શિક્ષક ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચી રાષ્ટ્રપતિ પદની ગરિમા જાળવી રાખી હતી. તેમજ ભારત દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેવા શિક્ષકની યાદમાં તેમના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ના દિવસને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શિક્ષણક્ષેત્રમાં સંકળાયેલાં તમામ શિક્ષકોને શુભકામનાઓ પાઠવવામાં આવે છે, શિક્ષણક્ષેત્રમાં સારી કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે. શાળામાં બાળકો એક દિવસ માટે શિક્ષક બને છે, તેઓને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવે છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં ઘાટલોડીયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત શાળામાંથી સેવા આપી નિવૃત્ત થયેલા તમામ શિક્ષક મિત્રોને શાળામાં આમંત્રણ આપી તેમનું શાળાના આચાર્ય જાગૃતિબેન પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પુર્વ શિક્ષકોએ પોતાની કર્મભૂમિને વંદન કરીને એકબીજા સાથે મળીને સંસ્મરણોની તાજા કર્યા હતા. નવા શિક્ષક મિત્રોને શાળાના પરિવારનું નામ કઈ રીતે ઉજ્જવળ કરવું તે માટે પ્રેરણા આપવામાં આવી હતી. શાળા મારી તીર્થ ભૂમિ જ્ઞાન ગંગા જ્યાં વહે સૂત્રને સાર્થક કર્યું હતું.