અમદાવાદ : શહેરનો વિકાસ દિવસે દિવસે વધી રહ્યો છે. સરદાર પટેલ રિંગ રોડની આસપાસ પણ હવે રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો થતા લોકોની અવર-જવર વધી છે. રિંગ રોડ પર અવરજવર માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા અસલાલીથી રણાસણ સુધી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં વધુ નવા ત્રણ રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. 22 ઓક્ટોબરથી ત્રણ નવા રૂટ શરૂ કરવામાં આવશે. જેથી રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી સનાથલ સર્કલ સુધી લોકો જઈ શકશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, વૈષ્ણોદેવી સર્કલથી લઈ અને સનાથલ તેમજ અસલાલી સુધી સમગ્ર રિંગ રોડ ઉપર લોકોની અવરજવર ખૂબ હોય છે. જેને ધ્યાનમાં રાખી એક રૂટ અસલાલીથી રણાસણ સુધીનો ચાલતો હતો તેમાં વધારો કરી નવા ત્રણ રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે વૈષ્ણોદેવીથી લઇ અને સનાથલ સુધી બસો દોડશે. કુલ 20 બસો મૂકવામાં આવશે. આગામી 22 ઓક્ટોબરથી નવા ત્રણ રુટ કાર્યરત થશે. હાલમાં જે ટિકિટનો દર ચાલી રહ્યો છે તે જ ટિકિટના દર ઉપર લોકો મુસાફરી કરી શકશે.
નવા ત્રણ રૂટ
રણાસણથી વૈષ્ણવદેવી સર્કલ
વૈષ્ણવદેવીથી સનાથલ સર્કલ
સનાથલ સર્કલથી અસલાલી