અમદાવાદ: શહેરના નરોડાના તુલસી ક્યારો સમિતિ ગ્રૂપના યુવકોએ પિતાની છત્રછાયા ગુમાવનારી 21 દીકરીનું પિતા બની કન્યાદાન કરાવ્યું હતું. ઉપરાંત, આશીર્વાદની સાથે સાથે ઘરવખરીનો પૂરો સામાન તથા સોના-ચાંદીની ભેટ સોગાદ પણ આપવામાં આવી હતી. નોંધનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી આ ગ્રૂપ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન ડિસેમ્બર મહિનામાં કરાવવામાં આવે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નરોડામાં તુલસી ક્યારો સમિતિના યુવકોનું ગ્રુપ સારા આશયથી છેલ્લા પાંચ વર્ષથી પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન કરાવે છે. જેમાં નરોડામાં રહેતા યુવકોએ પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતિની દીકરીઓના લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. બાદમાં તેમના વિચારોને જોડવા માટે તેમણે તુલસી ક્યારો નામનું એક ગ્રુપ બનાવ્યું હતું.
આ વર્ષે પણ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પિતા અથવા માતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્નની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 21 જેટલી દીકરીઓના લગ્ન કરવાનું બીડું આવતા આ ગ્રુપ દ્વારા અનેક દાતાઓ થકી 21 દીકરીઓને તેમના પિતાની જેમ ઉમંગ ભર્યા લગ્ન કરાવ્યા. આ વર્ષે લગ્નમાં પટેલ યુવક દ્વારા ક્રિશ્ચન યુવતીએ તેના પરિવારની સહમતિથી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્નની તૈયારી બતાવતા જોડાને સામેલ કરવામાં આવ્યું હતું.
નરોડામાં રહેતા યુવકોએ પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતીની દીકરીઓના લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. બાદમાં તેમના વિચારોને અમલમાં મૂકવા માટે તેમણે તુલસી ક્યારા નામનું ગ્રૂપ બનાવ્યું. જેમાં વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર 8 છોકરીનાં લગ્ન કરાવ્યા હતા. પછી સતત ત્રીજા વર્ષે પણ તુલસી ક્યારો સમિતિ સમૂહ લગ્ન ગ્રૂપ દ્વારા માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ જ્ઞાતિની 21 દીકરીના લગ્ન કરાવ્યા હતા. જેમાં 2 હજારથી વધુ લોકોનો જમણવાર ગોઠવાયો હતો.
આ અંગે તુલસી ક્યારો સમિતિના જગત પટેલ, હરિસિંહ વાઘેલા, આશિષ પટેલ, તારીખ પરીખ, તુષાર પટેલની ટીમ દ્વારા જણાવ્યું હતું કે, આ વખતે પણ દર વર્ષની જેમ એનાસણ ગામમાં આવેલા શાંતમ પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડવા મુહૂર્તથી લઈને તમામ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી અને યુવકોએ દીકરીના પિતા બનીને કન્યાદાન પણ કર્યું હતું.
સાથે જ દીકરીઓને તિજોરી, સોના-ચાંદીના દાગીના સહિતની તમામ વસ્તુઓ ભેટ-લોગાદ અને આશિર્વાદ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. ગ્રુપના સભ્યોના જણાવ્યા પ્રમાણે દર વર્ષે નવેમ્બર- ડિસેમ્બર મહિનામાં આ રીતે પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતિની 21 દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે.આ ગ્રુપ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર કોઈ પણ જ્ઞાતિની દીકરીઓને લગ્ન કરવાની જવાબદારી હાથ લેવામાં આવે છે.