અમદાવાદ : સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ અમદાવાદ શહેરને પ્રથમ નંબરે લાવવા માટે સ્વચ્છતા ને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે લોકોને જાહેર રોડ ઉપર કચરો ફેંકીને ગંદકી ન કરવા માટે સમજાવવામાં આવે છે. સ્વચ્છતા ને લઈ પ્રચાર કરવામાં આવે છે છતાં પણ કેટલાક લોકો જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરતા હોય છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર રોડ પર ગંદકી કરવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને આદર્શ સફાઈના અભાવ બદલ 21 દુકાનોને સીલ મારી દીધી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર રોડ પર ગંદકી કરવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને આદર્શ સફાઈના અભાવ બદલ 21 દુકાનોને સીલ મારી દીધી છે. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવવા, સ્વચ્છતા ન જાળવવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા એકમો, ડસ્ટબીન નહીં રાખતા એકમો, ચાની લારી, પાનના ગલ્લા, સહિતના એકમોમાં હાથ ધરાયેલી ચેકિંગ ઝુંબેશના ભાગરૂપે 245 એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગંદકી કરવા બદલ 110 એકમને નોટિસ અપાઈ છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક બે કિલો જેટલું જપ્ત કર્યું છે. કુલ 1.65 લાખ જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો છે.
AMC દ્વારા ગંદકી કરવા બદલ શાસ્ત્રીનગરમાં સાઉથ ઢોંસા, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર, રિદ્ધિ પાન પાર્લર, સર્વો ગેરેજ, શિવશંકર પાસ્ટ ફુડ, સતગુરૂ ઓટો ગેરેજ, જાગૃતિ મોટર્સ, વિનાયક પેટ્રોલ પંપ, સાંઈબાબા ગ્લાસ એન્ડ એલ્યુમિનિયમ, ક્રિશ્ના પાન પાર્લર, પલ્લવ ચાર રસ્તા ખાતેના આનંદ ભાજીપાઉં, સ્ટેડિયમ ચાર રસ્તા, ચંદ્રનગર શિવ શક્તિ એર કાર્ગો, અંબિકા પ્રોવિઝન સ્ટોરને પ્રતિબંધીત પ્લાસ્ટિક માટે સીલ કરાયા કરાયા છે. સાબરમતી શંકરપુરા પે એન્ડ યુઝ જેનું અખિલ પર્યાવરણ એવમ ગ્રામીણ વિકાસ સ્મશાન દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા તેને પણ સીલ કરી દેવામાં આવ્યું છે.