અમદાવાદ : અમદાવાદમાં ભૂવાઓની બોલબાલા હોય તેમ લાગે છે. કારણ કે, એક ભૂવાનું સમારકામ થાય ત્યાં બીજો ભૂવો પડી જાય છે. શહેરનાં વિજય ચાર રસ્તા પાસે 2 ભૂવા પાડયા છે અને આ ભૂવાને એક માસ અગાઉ જ રિપેર કરવામાં આવ્યા હતા. છતાં ફરીવાર અત્યારે તો ચોમાસુ પણ નથી અને સિઝન વગરનો ભૂવો પડ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પશ્ચિમ ઝોનમાં વિજય ચાર રસ્તા નજીક રોડ ઉપર બે ભૂવા પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે, જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં લગભગ એક મહિના પહેલાં જ એએમસી દ્વારા રોડના સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં રોડની આ પરિસ્થિતિ થતાં સમારકામના નામે ખર્ચાયેલા નાગરિકોના ટેક્સના પૈસા કોના પેટમાં ગયાં તે એક મોટો પ્રશ્ન ઉદ્ભવી છે. ટેક્સ પ્રજા ભરે અને સામે પ્રજા જ અગવડતા પણ ભોગવે તેવા અમદાવાદનાં અનુભવો હાલ ભૂવારાજનાં કારણે નાગરિકોને થઈ રહ્યા છે.
શહેરના પોષ વિસ્તારમાં પડેલાં આ ભૂવાથી કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગની બેદરકારી છતી થઈ છે. રિપેરિંગ થયા પછી પણ ભૂવા પડતા કોર્પોરેશન (AMC) અને કોન્ટ્રક્ટરની મિલીભગતનાં પુરાવા મળ્યા હોવાની લોક ચર્ચા છે. આ સાથે જ રોડ બનાવવાથી લઈને સમારકામ સુધી ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચા પણ થઈ રહી છે.