અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા સંસદમાં ડો.બાબા સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડો. બાબા સાહેબની પ્રતિમાનો ખંડીત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલાક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવામાં આવી છે. જેને કેટલાક અસામાજિક તત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવ્યું છે.વહેલી સવારે જ્યારે લોકો ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ધ્યાને પડ્યું હતું. બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી અપમાન કરવામાં આવતાં સ્થાનિક લોકોની લાગણીને ઠેસ પહોંચી છે અને લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણા પર બેસી ગયા છે. હાલમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યાં છે. આથી એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સ્થાનિક લોકોની માગ છે કે, જ્યાં સુધી બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહિ થાય ત્યા સુધી રસ્તા પરથી નહિ હટીએ.
જયંતિ વકીલની ચાલીના બહારના ભાગે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે આંબેડકરની પ્રતિમાના નાકને તોડી નુકસાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ વાત વાયુવેગે ફેલાતા સ્થાનિકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાવતરું રચી નુકસાન કર્યું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી.
સ્થાનિકોની માંગ મુજબ પોલીસ ફરિયાદી બની ફરિયાદ નોંધી છે અને અસામાજિક તત્વોની શોધખોળ હાથ ધરી છે, ત્યારે સ્થાનિકોની માંગ મુજબ અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવે અને તેનો વરઘોડો કાઢવામાં આવે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને જે રીતે વિધર્મીઓના વરઘોડા કાઢવાના શોખ છે. તો એમને જો બાબાસાહેબના સંવિધાનને નજરમાં રાખીને શપથ લીધી હોય તો એ સાબિત કરી બતાવે કે અમે બાબાસાહેબના સંવિધાનને માનીએ છીએ.