અમદાવાદ : અમદાવાદના ખોખરામાં ચકચાર મચાવનાર આંબેડકરની પ્રતિમા ખંડિત થવાના કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચ આ સમગ્ર કેસની તપાસ કરી રહી હતી. આરોપીઓ સુધી પહોંચવા માટે ક્રાઇમ બ્રાંચે 20 ટીમો બનાવી હતી. ટીમોએ અલગ અલગ 1 હજારથી વધુ CCTV તપાસ્યા હતા. આખરે ક્રાઇમ બ્રાંચને સફળતા મળી અને મેહુલ ઠાકોર તથા ભોલા ઠાકોરને ઝડપી લેવાયા છે. જોકે ગુનામાં સામેલ અન્ય ત્રણ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જેમને શોધવા પોલીસ તપાસ તેજ થઇ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ખોખરામાં ચકચાર મચાવનાર આંબેડકરની પ્રતિમા ખંડિત થવાના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડો.આંબેડકરની મૂર્તિને પથ્થર મારનાર આરોપી મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી છે. 22 ડિસેમ્બરે રાત્રે 3:30 વાગ્યે બે એક્ટીવા ઉપર ચાર લોકો આવ્યા હતા અને મૂર્તિને ખંડિત કરી હતી. અન્ય બે આરોપીઓ મુકેશ ઠાકોર અને ચેતન ઠાકોરની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ચારેય આરોપીઓને ચારેયને આશ્રય આપનાર જયેશ ઠાકોરની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
સમગ્ર મામલે એવી હકીકત સામે આવી છે કે બે સમાજ વચ્ચે ચાલી રહેલી અદાવતમાં આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2018માં કોઈ બાબતે ઝઘડો થયો હતો જેની અદાવતમાં આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. જોકે આ ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. પરંતુ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.