અમદાવાદ : ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને સરળતાથી પોતાનું મકાન મળી રહે તેવા આશયથી રાજ્ય સરકાર મુખ્યમંત્રી આવાસ યોજના અને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો બનાવે છે. જે યોજનાં હેઠળ મકાન લેવા ઈચ્છુત વ્યક્તિ જરૂરી પ્રક્રિયા કરી મકાન મેળવે છે પરંતુ આવા જ ઈચ્છુક લોકોને પોતાની વાતોમાં ફસાવી લાખો રૂપિયા મેળવી ઠગાઈ આચરવામાં આવી છે. જે મામલે ઝોન 1 વિસ્તારમાં વસ્ત્રાપુર, સોલા અને નારણપુરામા 3 ફરિયાદ નોંધાઈ હતી. જોકે ઝોન 1 એલસીબીની ટીમે આરોપીને પકડી પાડ્યો છે. આરોપીએ પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાનું જણાવી ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અપાવાની લાલચ આપી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમોમાં મકાન આપવાની લાલચ આપી 250 થી વધુ લોકો સાથે ઠગાઈ આચરનાર ઝડપાયો છે. આ મામલે વિરમસિંહ રાઠોડ નામનાં આરોપીની ઝોન 1 એલસીબીએ ધરપકડ કરી છે. આરોપીએ પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાનુ જણાવી ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અપાવાની લાલચ આપી હતી. તેણે વસ્ત્રાપુર, નારણપુરા અને સોલા વિસ્તારનાં લોકોને આ રીતે છેતર્યા હતા.આ મામલે કુલ 3 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આરોપીએ કુલ 3 કરોડથી વધુ રકમ લોકો પાસેથી આ રીતે મેળવી છે. ઝડપાયેલા આરોપીએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને તે જીપીએસસીની તૈયારી કરતો હતો જે દરમિયાન તેને આ રીતે લોકો સાથે ઠગાઈ કરવાનો વિચાર આવ્યો અને છેલ્લાં 3 વર્ષમાં અનેક લોકો પાસેથી પૈસા પડાવી લીધા.
ઝડપાયેલો આરોપી રાતોરાત કરોડપતિ જોવાના સપના જોતો હતો જેનાં કારણે તેણે આ રીતે પૈસા મેળવવાનું શરૂ કર્યુ અને પોતાની નીચે માણસો રાખી મકાન મેળવવા ઈચ્છતા લોકોને લાવી તેનાં દ્વારા અપાતી રકમમાંથી એજન્ટોને કમિશન પણ આપતો હતો. વધુમાં તે ભોગ બનનારાઓને બોગસ પઝેશન લેટર પણ આપી વિશ્વાસમાં લેતો હતો. અનેક કેસમાં તે ભોગ બનનારને મકાન નહી લાગે તો રૂપિયા પરત આપી દેશે તેવી વાતો કરતો હતો.
આરોપીની તપાસમાં સામે આવ્યું કે તેણે 250 થી વધુ ભોગ બનનારાઓ પાસેથી મેળવેલા 3 કરોડ રૂપિયામાંથી 50 થી 60 લાખ રૂપિયા એજન્ટોને કમિશન આપ્યું છે. તેણે આ સમયગાળા દરમિયાન 3 અલગ અલગ વેપાર કર્યા હતા. જેમાં તેણે ફૂડ સ્ટોલમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું પણ તેમાં સફળ ન થતા બંધ કરી નાખ્યું અને બાદમાં ગૃહ ઉદ્યોગ અને શેર બજારમાં પણ રોકાણ કર્યું પરતુ તમામ ધંધામાં તે નિષ્ફળ ગયો હતો.
આરોપીએ ભોગ બનનારાઓને સાયન્સ સિટી જેવા પોશ વિસ્તારમાં બનતા AUDAનાં મકાનો બતાવ્યા હતા અને રૂપિયા મેળવ્યા હતા. આ મામલે ઝોન-1 એલસીબીની ટીમે આરોપીની ધરપકડ બાદ રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.