અમદાવાદ : ગુજરાતમાં અમરેલીના લેટરકાંડ બાદ પાટીદાર યુવતીનો કાઢવામાં આવેલા વરઘોડા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન રિટ અરજી દાખલ કરવામાં આવી છે. આરોપીઓનું ખોટી રીતે સરઘસ નહી કાઢવા અંગે હાઈકોર્ટ દ્વારા અગાઉ જારી નિર્દેશો અને સુપ્રીમકોર્ટે ડી.કે.બાસુના કેસમાં જારી કરેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ રિટ અરજી દાખલ થઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ, રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશન દ્વારા તાજેતરમાં કેટલાક માથાભારે લોકોની સામે ફોજદારી ફરિયાદ દાખલ કર્યા બાદ તેમનું સરઘસ કાઢવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી.અરજદારે આવી રીતે આરોપીઓનું સરઘસ કાઢીને જાહેરમાં અપમાનિત કરીને સુપ્રીમ કોર્ટના ડી.કે.બાસુના કેસમાં આપેલા ચુકાદાઓનો ભંગ થતો હોવાનો અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2018માં કરવામાં આવેલી એક જાહેર હિતની અરજીમાં અપાયેલા ચુકાદા બાદ આવું કૃત્ય નહિ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો કડક અમલ થવો જોઇએ તેવી માગણી કરી છે. આ કેસની સુનાવણી 5 ફેબ્રુઆરીનો રોજ હાથ ધરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ મુજબ, રાજકોટમાં રહેતા વેપારી પ્રતિક ચંદારાણાં મારફતે આ જાહેર હિતની અરજી ગત મહિને ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. તેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ગત ડિસેમ્બર મહિનામાં તેમની વિરૂધ્ધ રાજકોટના ’બી’ ડિવીઝન પોલીસ સ્ટેશન અને ત્યારબાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓને માર મારવાની, ધમકી આપવા સહિતની અલગ-અલગ બે ફરિયાદો નોંધવામા આવી છે. તેઓ પત્રકાર તરીકે કામ કરતા હોવાથી તે બાબતનો દ્વેષભાવ રાખીને અગાઉ પણ તેમની સામે ફોજદારી ગુના નોંધવામાં આવ્યા છે.
તેઓને આવી માહિતી મળી છે કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે, માથાભારે ગુનેગારોમાં કાયદાનો ભય ફેલાવવા તેમજ લોકોને સુરક્ષાની લાગણીનો અનુભવ થાય તે માટે કોઇ માથાભારે આરોપી પકડાય તો તેનું જાહેરમાં સરઘસ કાઢવું. આ બાબતે વિવિધ મિડીયામાં સમાચાર પણ પ્રકાશિત થયા છે.
આથી તેઓને પણ દહેશત છે કે પોલીસ દ્વારા તેમનું સરઘસ કાઢીને અપમાનિત કરવામાં આવશે. અગાઉ રાજકોટમાં એક આરોપીનું સરઘસ કાઢીને માર મારવાના કેસમાં એક પિટિશન થઇ હતી અને તેમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. તે ચુકાદા મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા ડી. કે. બાસુના કેસના ચુકાદામાં કસ્ટડીમાં રહેલા આરોપીઓની સુરક્ષા માટે જે પણ માર્ગદર્શીકા ઘડવામાં આવી છે.
તેનો કડક અમલ કરવાનો આદેશ કરાયો હતો. તે મુજબ પોલીસ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ દ્વારા જાહેરનામુ બહાર પાડીને દરેક પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવ્યું છે. આથી તેમની સાથે પણ પોલીસ ગેરવર્તન કરે નહી અને સરઘસ કાઢે નહી તે માટેનો આદેશ કરવો જોઇએ. બીજું કે, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ.