અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટના સતત સામે આવી રહી છે. મોટી-મોટી રેસ્ટોરન્ટ્સ અને દુકાનોના ખાદ્ય પદાર્થો પર પણ સવાલ ઉભા થાય છે. હવે અમદાવાદમાં એક જાણીતી પકોડીની દુકાનમાં પાણીપુરીના પાણીમાંથી જીવાત નીકળી હોવાનો આક્ષેપ કર્યો હતો.ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના જોધપુર ગામ વિસ્તારમાં દિવાન ભેળ પકોડી સેન્ટર નામની દુકાન આવેલી છે. જ્યાં લોકો ભેળ પકોડી ખાવા માટે આવતા હોય છે. રવિવારે સાંજે પકોડી ખાવા આવનાર ગ્રાહકે આ દીવાન પકોડી સેન્ટર પર ગ્રાહકે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. દીવાન પકોડી સેન્ટરની પાણીપુરીના પાણીમાંથી જીવાત જોવા મળી હતી. ગ્રાહકે ફરિયાદ કરતા માલિકે ઉડાઉ જવાબ આપ્યો હતો. ત્યારબાદ ગ્રાહક દ્વારા કોર્પોરેશનના હેલ્થ સેન્ટરમાં ફરિયાદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે દિવાન પકોડી સેન્ટર સેટેલાઈટ વિસ્તારમાં આવેલ પ્રખ્યાત પકોડીની દુકાન છે. જ્યાં મોટા પ્રમાણમાં પાણીપુરી ખાવાના શોખીન લોકો પાણીપુરી ખાતા હોય છે. જેમાં તેની પાણીપુરીમાંથી જીવાત નીકળી આવવાને કારણે લોકો પણ વિચારમાં મુકાઈ ગયા છે.બીજી તરફ ગ્રાહક દ્વારા આ મુદ્દે AMC હેલ્થ સેન્ટરમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. જેથી આ મુદ્દો હાલ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.