અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલાં શાકમાર્કેટને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ વોર્ડના ભાજપનાં કોર્પોરેટરોને અવારનવાર રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા રવિવારે રાત્રે (19 જાન્યુઆરી) 60થી વધુ મહિલા અને પુરુષોનું ટોળું વટવાના ભાજપના ધારાસભ્ય બાબુસિંહ જાદવના ઘરે પહોંચ્યું હતું. રાત્રે લોકોના ટોળેટોળા ધારાસભ્યના ઘરે પહોંચી અને શાકમાર્કેટ ન બનવાને લઈને રજૂઆત કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવી રહી છે, અમદાવાદમાં વસ્ત્રાલમાં નજીકના ગામડાઓમાંથી શાકભાજીઓ લાવી વધુ વેચાણ કરવા, ખેડૂતોને બજાર મળી રહે તે માટે શાક માર્કેટ બનાવવાની તૈયારીઓ કરાઈ રહી છે. પરંતુ અહીં રહેતા લોકો ખાસ કરીને વસ્ત્રાલની ચિત્રકૂટ બંગ્લોઝ, વેદાંત ફ્લેટ, નીલકંઠ સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે.
આ મુદ્દે વસ્ત્રાલ વોર્ડના ભાજપનાં કોર્પોરેટરોને અવારનવાર રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા રવિવારે રાત્રે (19 જાન્યુઆરી) 60થી વધુ મહિલા અને પુરુષોનું ટોળું વટવાના ભાજપના ધારાસભ્ય બાબુસિંહ જાદવના ઘરે પહોંચ્યું હતું. રાત્રે લોકોના ટોળેટોળા ધારાસભ્યના ઘરે પહોંચી અને શાકમાર્કેટ ન બનવાને લઈને રજૂઆત કરી હતી.
સોસાયટીની બાજુમાં શાક માર્કેટ બને તો ગંદકીનું પ્રમાણ વધે, દૂષણ વધે તેથી પાણી પહેલા પાળ બાંધવાની રહીશોએ શરૂઆત કરી છે. માહિતી મુજબ રહીશોએ જુલાઈ મહિનામાં પોલીસને, કોર્પોરેટરને જાણ કરી હતી. પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નહોતો. બાદમાં 2 મહિના અગાઉ પણ પોતાની રજૂઆત કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં આખરે વસ્ત્રાલના રહીશો રાત્રે 11 વાગ્યે MLAના ઘરે રજૂઆત માટે પહોંચ્યા હતા. રહીશોએ જણાવ્યું કે કાઉન્સિલરે અમારીની રજૂઆત ન સાંભળતા MLAને રજૂઆત કરવી પડી છે. રજૂઆતનો કોઈ નિકાલ ન આવતા સ્થાનિકોએ MLAનો સહારો લીધો છે. MLA બાબુસિંહ જાદવે રજૂઆત સાંભળી નિરાકરણની બાંહેધરી આપી છે.