અમદાવાદ : દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની બેગ એટલે કે થેલી કે ઝભલાંનો ઉપયોગ નહીં કરવાની ઝુંબેશ ચાલે છે. જે પર્યાવરણ માટે આવકાર્ય છે. પ્લાસ્ટિકના વિકલ્પે કાગળ અને કાપડની બેગ વાપરવાનો આગ્રહ રાખવામાં આવે છે. ત્યારે આ દિશામા અમદાવાદ પણ આગળ વધી રહ્યું છે હવે AMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જેમાં હવે અમદાવાદીઓને AMC દ્વારા કપડાની થેલીઓનું વિતરણ કરવામાં આવશે.અમદાવાદીઓને ઘર દીઠ બે કાપડની થેલી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને ઝડપથી આ થેલીઓ મળી રહે તેના માટે ચાર જેટલી વિવિધ એજન્સીઓને થેલીઓ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મટિરિયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટીના ચેરમેન બળદેવ પટેલે જણાવ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે લોકો હવે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરી અને કાપડની થેલીઓનો ઉપયોગ કરે તેના માટે શહેરમાં દરેક ઘર દીઠ બે કાપડની થેલીઓ આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં અંદાજિત 16 લાખ જેટલા મકાનો આવેલા છે જેથી દરેક ઘર દીઠ બે મળી 32 લાખ અને 1 લાખ વધુ એમ કુલ 33 લાખ જેટલી કાપડની થેલીઓ મેળવવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.જે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. 16X18 અને 14X16 ના માપની અને વધુમાં વધુ 10 કિલો જેટલું વજન ઉઠાવી શકે તેવી થેલીઓ બનાવવામાં આવશે.
ચાર જેટલી એજન્સીઓ આ ટેન્ડરમાં ક્વોલિફાય થઈ હતી. ઝડપથી થેલીઓ બની અને લોકોના ઘર સુધી પહોંચાડી શકાય તેના માટે 16X18 માપની થેલી બનાવવા માટે ઘનશ્યામ ફેબ્રિકેટસને 50 ટકા એટલે કે 16 લાખ બાકીની ઝેનિથ સેલ્સ, સીએ ટેક્સટાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ અને દિપક હેન્ડલુમ કંપનીને બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવા અંગેની દરખાસ્ત આજે મંજૂર કરવામાં આવી છે. કોટન અને પોલિએસ્ટરની થેલીઓ 11.81 કરોડના ખર્ચે બનશે.