અમદાવાદ : ગુજરાતમાં હાઉસિંગ બોર્ડના જુના મકાનોને રિડેવલપ કરવાનો મુદ્દો ઘણા સમયથી ગાજે છે. આવા ઘણા મકાનો હવે જર્જરિત હાલતમાં છે અને તેમનું રીડેવલપમેન્ટ કરવું જરૂરી છે, પરંતુ આ પ્રક્રિયામાં કેટલાક અવરોધ છે. રાજ્ય સરકાર હવે આ અવરોધ દૂર કરવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં હાઉસિંગ બોર્ડના મકાનોના રીડેવલપમેન્ટમાં વેગ આવે તે માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા હાઉસિંગ બોર્ડની સોસાયટીઓન રહીશો માટે રાહત આપતો નિર્ણય લેવાયો છે, જે મુજબ, જે સોસાયટી કે કોલોની રીડેવલોપમેન્ટમાં આવતી હોય અને 75% થી વધુ સભ્યોએ નોટરી સાથે સહમતી આપી હોય તેવી યોજનામાં જે સભ્યના દસ્તાવેજો બાકી હશે તેવા સભ્યોને દસ્તાવેજ માટે વધારાના બાંધકામ અંગેનો દંડ હવે થી વસુલવામાં નહિ આવે.તમને જણાવી દઈએ કે દસ્તાવેજ બાકી છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટી કે કોલોનીઓમાં મોટેભાગે વધારાનું બાંધકામ કરાયું છે ત્યારે આ નિર્ણય લોકો માટે ખુબ ઉપયોગી સાબિત થશે.
તમને જણાવી દઈએ કે આ અગાઉ 25 ચોરસ મીટર સુધીના અનઅધિકૃત બાંધકામ વપરાશની ફી હવે જંત્રી દરના બદલે EWSમાં રૂ.10 હજાર, LIGમાં રૂ. 20 હજાર, MIGમાં રૂ. 30 હજાર અને HIGમાં રૂ. 60 હજાર પ્રમાણે લેવામાં આવતો હતો.આ ઉપરાંત 25 ચોરસ મીટર કરતાં વધારે અનઅધિકૃત બાંધકામ વપરાશની ફી પણ જંત્રી દરને બદલે EWSમાં રૂ. 20 હજાર, LIGમાં રૂ. 40 હજાર, MIGમાં રૂ. 60 હજાર અને HIGમાં રૂ. 1.20 લાખ નિયત કરાયો છે.