અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્યના ડીજીપી વિકાસ સહાયે સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટ કાયદો ફરજીયાત કર્યો છે. ત્યારે આજથી ગુજરાતભરની સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઇવ શરુ કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓને આજથી ટ્રાફિક પોલીસ નિયમોનું પાલન કરાવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના DGP વિકાસ સહાયના આદેશ બાદ ગુજરાતભરની સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઇવ શરુ થઈ છે.જેથી આજથી સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં હેલ્મેટ ફરજીયાત કરવામાં આવ્યો હોવાથી જે પણ કર્મચારી હેલ્મેટ વગર આવશે તેમની સામે દંડ કરવામા આવી રહ્યા છે. આ માટે રાજ્યભરની તમામ સરકારી કચેરી અને ખાસ કરીને સચિવાલયર ગેટ બહાર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે.આ ટ્રાફિક પોલીસ સરકારી કચેરીના ગેટ પર જ સરકારી કર્મચારીઓનું ચેકિંગ કરી હેલ્મેટના નિયમોનું પાલન કરાવી રહી છે અને જે કર્મચારી હેલ્મેટ પહેરીને આવે છે તેમને ફુલ આપવામાં આવે છે અને જે હેલ્મેટ પહેર્યા વગર આવે છે તેમને દંડ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ કલેક્ટર કચેરી બહાર ટ્રાફિક ડીસીપી સફીન હસન અને અન્ય પોલીસ કર્મીઓ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન કલેક્ટર કચેરીમાં હેલ્મેટ વિના પ્રવેશતા કર્મચારીઓને ઈ-મેમો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ આરટીઓ કચેરીમાં પણ પોલીસની ડ્રાઇવ યોજવામાં હતી .અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસના પરિસરમાં જ જન્મ- મરણ કોર્ટ અને ફૂડ વિભાગની કોર્ટ આવેલી છે. ત્યારે આ કોર્ટમાં આવતા વકીલો પણ હેલ્મેટ પહેર્યા વિના આવ્યા હતા. જેને ટ્રાફિક પોલીસ દ્વારા રોકીને દંડ ફટકારવામાં આવ્યો હતો.ખમાસા વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ કમિશનર કચેરીમાં એકલદોકલ લોકો આવતા જતા જોવા મળ્યા હતા. જેમાંથી મોટાભાગના લોકો નિયમોનું પાલન કરીને અંદર જઈ રહ્યા હતા. જ્યાં એક પોલીસની ગાડીના ડ્રાઈવરે સીટબેલ્ટ પહેર્યો નહતો, જેથી ગાડી ચાલકને રોકીને ઈ મેમો આપવામાં આવ્યો હતો.શાહીબાગના બહુમાળી ભવન ખાતે પણ ડ્રાઇવ યોજાઈ હતી.દરમિયાન ટ્રાફિક એસીપી ડી.એસ પુનડિયા અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હાજર હતા. આ ડ્રાઈવ શરૂ થતાં જ બહુમાળી ભવનમાં આવનાર મોટાભાગના લોકો હેલ્મેટ વિના જ જોવા મળ્યા હતા.આ ઉપરાંત AMC પશ્ચિમ ઝોન ઓફિસે કોઈ ડ્રાઇવ યોજાઈ નહિ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વધતા જતા અકસ્માતને લઈ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસની આખરી ઝાટકણી કાઢી હતી અને હાઈકોર્ટે અકસ્માતથી બનતી ગંભીર ઘટનાઓ ઘટાડવા અસરકારક પગલાં લેવા પોલીસને નિર્દેશ કર્યો હતો.ત્યારે હાઈકોર્ટના હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્યના DGP વિકાસ સહાયએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો.જેમાં જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. આ સાથે જે કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ પણ કર્યો છે.