અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરને સ્વચ્છ શહેર તરીકે એકથી પાંચ ક્રમાંકમાં લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જાહેરમાં શૌચક્રિયા બંધ થાય અને લોકોને શૌચક્રિયા માટે જગ્યા મળી રહે તેના માટે હવે જાહેર ટોયલેટને આધુનિક સ્વરૂપે બનાવવામાં આવશે. શહેરમાં 20 સ્થળોએ રૂ. 20 કરોડના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં રિફ્રેશમેન્ટ અને રિટેલ શોપ સાથે બેસવાની અને શૌચક્રિયાની સુવિધા મળી રહે તેના માટે આધુનિક સુવિધાવાળા ટોયલેટ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ બિલ્ડીંગ કમિટીમાં બેઠકમાં શહેરના કાંકરીયા, સિંધુ ભવન રોડ, સરખેજ ગાંધીનગર હાઈવે, સાબરમતી ગાંધી આશ્રમ, કાલુપુર રેલ્વે સ્ટેશન, સીજી રોડ, વસ્ત્રાપુર તળાવ વિસ્તાર, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે એપ્રોચ, અડાલજ, આનંદ નગર રોડ, ગુરુકુળ રોડ, ગીતા મંદિર બસ સ્ટેશન, યુનિવર્સિટી વિસ્તારમાં અંત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અને રીફ્રેશમેન્ટ, રીટેલ શોપ, કાફે જેવી અન્ય સુવિધાઓ સાથેનું ટોઇલેટ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સેન્સર ધરાવતા સ્વાસ્થયપ્રદ ટોયલેટ્સ, સેનેટરી નેપકીન વેચાણ મશીન, દીવ્યાંગ જનો માટે ખાસ પ્રકારની સુવિધા, હાથ સુકા કરવા માટેની મશીનરી, ચિલ્ડ્રન ટોયલેટ, બાળકોના કપડા બદલવાની સુવિધા, તથા જાહેરાત માટેની જગ્યાઓ, બેઠક વ્યવસ્થા પીવાના પાણીની સુવિધા, પ્રાથમિક તબીબી સારવાર માટેના સાધનોનું કબાટ, સ્ટીલ ફ્રેમ સ્ટ્રકચર જેવી સુવિધાઓ હશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ પ્રકારના સુવિધા વાળા ટોયલેટ બનાવવા રીક્વેસ્ટ ફોર પ્રપોઝલમાં સૌથી વધુ ગુણભાર ધરાવતા કોન્ટ્રાક્ટર ટોઇલેટ એન્ડ ટોઇલેટ પ્રા.લી દ્વારા ફીઝીબીલીટી સાઇટ સર્વે, એસ્ટીમેટ અને કંસેપ્ટચ્યુઅલ ડીઝાઈન, ફાયનલ થયેલ ડીઝાઇનના મોડલ (મિનિયેચર) તૈયાર કરવાના, સિવિલ, ઇલેકટ્રીકલ, પ્લંબીંગ વગેરે કામના વર્કીંગ ડ્રોઇંગ તૈયાર કરવામાં આવશે તેમજ સર્વે કર્યા બાદ સ્થળની પસંદગી અને સ્થળ પરિસ્થિતિ મુજબ તે લોકેશન પ્રમાણે થીમ બેઝ ડીઝાઈન મુજબ શહેરની 20 જગ્યાઓએ નવા વિવિધ પ્રકારની અત્યાધુનિક સુવિધાવાળા એસ્પિરેશનલ ટોયલેટ બનાવવામાં આવશે.
શહેરમાં વિવિધ જગ્યાએ કોમ્યુનિટી ટોઇલેટ, પબ્લીક ટોઇલેટ, સ્માર્ટ ટોઇલેટ, પીક ટોઇલેટ જેવા વિવિધ પ્રકારના ટોઇલેટ દ્વારા અમદાવાદના શહેરી જનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર ટોયલેટ અને કોમ્યુનિટી ટોઇલેટમાંથી વર્ષ 2014થી પહેલાના બાંધકામ વાળા ટોયલેટ આઉટડેટ, જર્જરીત, મર્યાદીત સુવિધાવાળા છે તે ટોયલેટ અત્યાધુનિક સુવિધા વાળા ટોયલેટ બનાવવામાં આવશે.