અમદાવાદ : ટોરેન્ટ ગ્રુપ 2022 IPL ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સમાં મોટો હિસ્સો ખરીદી શકે છે. એક અહેવાલ મુજબ, ટોરેન્ટ સીવીસી કેપિટલ પાર્ટનર્સ (ઇરેલિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ) પાસેથી જીટીમાં 67% હિસ્સો ખરીદશે. નવા જીટી માલિકો 2025 સીઝનથી જોડાઈ તેવી શક્યતા છે. હાલમાં, સીવીસી દ્વારા વેચવામાં આવેલા હિસ્સાના મૂલ્યાંકન સહિત અન્ય વિગતોની પુષ્ટિ થઈ શકી નથી. લીગની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા અંતિમ મંજૂરી આપવામાં આવે તે પહેલાં હાલ ડોક્યુમેંટ કાર્યવાહી થઈ રહી છે.
એક અહેવાલ મુજબ, ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ સીવીસીએ જીટીને ખરીદવા માટે 2021 માં 5,625 કરોડ (લગભગ 750 મિલિયન ડોલર) ચૂકવ્યા હતા, જેણે તેની પ્રથમ સીઝન (2022) માં આઈપીએલ જીત્યું હતું અને તે પછીના વર્ષે (2023) ફાઇનલમાં પહોંચ્યું હતું અને 2024 માં આઠમું સ્થાન મેળવ્યું હતું. ગુજરાત ટાઈટન્સનું ઘરેલું મેદાન અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. જેમાં એક લાખથી વધુ દર્શકો મુકાબલો નીહાળી શકે છે.
ટીમ ગત સિઝનમાં પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહી હતી અને આ તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. હાલમાં ટીમની કમાન શુભમન ગિલના હાથમાં છે અને તેમાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન, ઈંગ્લેન્ડના લિમિટેડ ઓવરના કેપ્ટન જોસ બટલર અને ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ સામેલ છે.