અમદાવાદ : અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડ પર બે જંક્નશને આવરી લેતો પલ્લવ બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. મે મહિનામાં આ બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. હાલમાં બ્રિજની મજબૂતાઈ ચકાસ માટે લોડ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. 935 મીટર લાંબો પલ્લવ બ્રિજ તૈયાર થઈ જતાં 1 લાખથી વધુ વાહનચાલકોએ આ બે જંક્શન પર ટ્રાફિકમાં ઊભા રહેવું નહીં પડે.પલ્લવ બ્રિજ તૈયાર થવાના કારણે 1 લાખથી વધુ લોકોએ બે જંક્શન પર ઊભા રહેવુ પડશે નહીં અને લીધા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરામાં પલ્લવ બ્રિજ તૈયાર તો થઈ ચૂક્યો છે, પરંતુ હાલમાં બ્રિજની મજબૂતાઈ ચકાસવા માટે લોડ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. 935 મીટર લાંબો પલ્લવ બ્રિજની મજબૂતાઈ ચકાસવા 300 ટન વજનના 10 ટ્રક લોડ કરી ઊભા રાખવામાં આવ્યા હતા. આ બ્રિજ પર લોડ ટેસ્ટ સ્પાન માટે 10 જેટલી ટ્રક ઉભી રાખવામાં આવી છે. 24 કલાક સુધી આ ટ્રક ઉભી રહેશે જે બાદ બ્રિજની ક્ષમતા તેમજ તેના સ્પાનની ચકાસણી કરાશે. જે 18 એપ્રિલ સુધી ચાલશે. હવે ટેસ્ટિંગનું કામ પૂર્ણ થયા બાદ મેમાં પલ્લવ બ્રિજને શહેરીજનો માટે ખુલ્લો મુકાશે.
40 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજ બનાવનારા અજય ઈન્ફ્રાકોનને પલ્લવ ફલાય ઓવરબ્રિજ બનાવવા કામગીરી અપાઈ હતી.પલ્લવ અને પ્રગતિનગર જંકશન ઉપર કુલ 935 મીટર ઘાટલોડીયા તરફ અને 931 મીટર અંકુર તરફ લંબાઈમાં ફોરલેન સ્પલીટ ફલાય ઓવરબ્રિજ ના સુપર સ્ટ્રકચરની કામગીરી પુરી કરાઈ છે.
હાટકેશ્વરનો માટીપગો બ્રિજ બનાવનારી કંપની વિવાદમાં સપડાતા પલ્લવ બ્રિજનું કામ 8 મહિના સુધી અટક્યું હતું. હાલમાં અન્ડરસ્પેસ તેમજ બ્રિજના ફિનિશિંગની કામગીરી ચાલી રહી છે. લગભગ 8 મહિના સુધી આ કામગીરી રોકી અન્ય નવા કોન્ટ્રાક્ટર માટે પ્રયત્નો કરાયા હતા. જોકે બાદમાં ફરીથી અજય ઈન્ફ્રાને જ બાકીની કામગીરી પૂર્ણ કરવા માટે જવાબદારી અપાઈ હતી.
હવે બીજો બ્રિજ અંધજન મંડળ ખાતે બનાવવાનો વિચાર ચાલી રહ્યો છે. અંધજન મંડળ ખાતે બનેલા બ્રિજની ઉપરથી બીજો ડબલડેકર બ્રિજ બનાવવાની દિશામાં વિચારણા હાથ ધરાઈ રહી છે. તે માટે જરૂરી ચકાસણી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.