અમદાવાદ : શહેરની તાસીર હંમેશાં બદલાતી રહે છે. હવે એક બાજુ દિવસે-દિવસે વધુ ને વધુ ઊંચી ઇમારતો તૈયાર થઈ રહી છે અને બીજી બાજુ ઘણી મોટી સંખ્યામાં ઇમારતો જૂની થઈ રહી છે. વળી, સારી નોકરીઓ, બહેતર વ્યવસાયની તકો અને વિશ્વના અન્ય કોઈ પણ શહેર જેવા આધુનિક જીવનની શોધમાં સમગ્ર દેશમાંથી પરિવારોના સતત ધસારાને કારણે રહેણાક જગ્યાની માગ સતત વધતી જાય છે. અમદાવાદમાં વસ્તી વધતા છેલ્લાં ૪૦ વર્ષોમાં વધુ રહેણાક અને વ્યાપારી બન્ને પ્રકારનાં મકાનોના બાંધકામની માગ વધતી ગઈ છે.
એકબાજુ અમદાવાદ શહેરની મોટાભાગની મિલ્કતો 30 થી 40 વર્ષ જૂની થઇ છે, બીજી બાજુ નવા બાંધકામ માટે નજીકમાં વધુ જમીન બાકી નહીં હોવાથી અને છેલ્લા પાંચ દાયકામાં સતત જૂની થતી જવાને કારણે શહેરના મોટા ભાગોમાં જૂની ઇમારતો જર્જરિત થવા લાગી છે. આવામાં એ જૂનાં બાંધકામ તોડીને તેમને ફરીથી વિકસાવવા સિવાય બીજાે કોઈ વિકલ્પ હવે બચ્યો નથી.
આથી અમદાવાદમાં પણ ભારતના અન્ય મોટા શહેરની જેમ રીડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. સમગ્ર અમદાવાદમાં આ ચલણ છે, જેના માટે સતત સાનુકૂળ સંજાેગો આકાર લઈ રહ્યા છે. જગ્યાની સતત માગ સાથે-સાથે આવનાર સમયમાં અમદાવાદ અને ગાંધીનગરમાં કોમનવેલ્થ અને ઓલમ્પિકમાં યજમાની અને વિશ્વનાં શ્રેષ્ઠ શહેરો સાથે સ્પર્ધામાં રહેવાના એના સતત પ્રયાસોથી અમદાવાદ આધુનિકીકરણ તરફ આગળ વધ્યું છે.
સરકાર, બેંકો, સોસાયટીઓ અને બિલ્ડરોએ બધાએ રીડેવલપમેન્ટ માટે હાથ મિલાવ્યા છે. આપણે અમદાવાદમાં અનેક વિસ્તારમાં એક નવો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જાેઈ રહ્યા છીએ. અને સરકાર તરફથી વધુ સવલતોને લીધે રીડેવલપમેન્ટ આગળ વધી રહ્યું છે. બેંકોના ધિરાણ દરે પણ આ પરિવર્તનમાં મદદ કરી છે. એ ઉપરાંત રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઍક્ટે (રેરા) ખૂબ જ જરૂરી ભરોસો આપ્યો છે, જેનો હંમેશાં બાંધકામ હેઠળના પ્રોજેક્ટ માટે અભાવ રહેતો હતો.
‘નવું ભારત, આર્ત્મનિભર ભારત’ સૂત્રને સમર્થન આપવાની દરેક અમદાવાદીઓની લાગણીને વેગ મળ્યો છે અને આ રીતે રિયલ્ટી સેક્ટરમાં વેચાણમાં તેજી આવી છે. કોવિડ પછીના સમયની વાત કરીએ તો દરેક વ્યક્તિમાં નવી ઊર્જા જાેવા મળી છે અને વેચાણ બમણું થઈ ગયું છે. ઘર, ઑફિસ અને વેરહાઉસની વિશાળ માગ ઊભી થઈ છે.જાે કે હાલમાં રિયલ્ટી સેક્ટરના વેચાણમાં સામાન્ય ઘટાડો હોવાનું જાણકારો કહી રહ્યા છે, પરંતુ એનાથી રીડેવલપમેન્ટમાં કોઈ ફેર પાડવાનો નથી.
ડેવલપર્સ હવે રીડેવલપર્સ બન્યા છે, જૂનાં જર્જરિત બિલ્ડિંગોને નવો દેખાવ મળવા લાગ્યો છે અને અમદાવાદીઓને જીવનભરમાં એક વાર સ્લમ કે હાઉસિંગ કોલોનીને અલવિદા કહેવાની અને સ્લમ રીડેવલપમેન્ટ અને હાઉસિંગ રીડેવલપમેન્ટ હેઠળ પોતાના સ્વપ્નના ફ્લૅટમાં રહેવાની તક મળી છે. મધ્યમ આવક ધરાવતા પરિવારોને હવે તેમના નાના ઘરની જગ્યાએ મોટું ઘર મળી શકે છે, જેથી પરિવારના તમામ સભ્યોને સારું જીવન મળે.