અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ અમેરિકા અભ્યાસ માટે જાય છે. જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ વિઝા સ્ટેજમાં પહોંચે તે પહેલા એકેડેમિક રેકોર્ડના વેરિફેકેશનમાં વિલંબના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓેને ઈમેલ કરીને તમામ સંસ્થાઓમાં વેરિફિકેશન સેલ ઉભો કરવા વિનંતી કરી છે. સરકારી અને ખાનગી યુનિવર્સિટી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ આ લેટર મોકલવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, લેટરમાં કોન્સ્યુલેટ જનરલે લખ્યું છે, આ સેલથી સ્ટુડન્ટ વિઝા માટે સૌથી મહત્ત્વના ગણાતા શૈક્ષણિક રેકોર્ડનું ખૂબ ઝડપથી વેરિફિકેશન થઈ શકશે. વિઝા અરજી પ્રોસેસમાં શૈક્ષણિક રેકોર્ડનું વેરિફિકેશન ખૂબ મહત્ત્વનું છે. આ સેલ ઉભો કરવાથી અમે વધુ ચોકસાઈથી અને સમયસર વિઝા અરજી પ્રોસેસ કરી શકીશું. તેથી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વેરિફિકેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવે તેવી વિનંતી છે. આમ કરવાથી ડોક્યુમેંટ સમયસર ચેક થઈ શકશે અને કોમ્યુનિકેશન ચેનલ પણ વિકસશે. જેનાથી સીધો જ કોઈપણ જાતના ખર્ચ વગર અમેરિકાની સરકાર અને કોન્સ્યુલેટ સાથે સંપર્ક થઈ શકશે.
અમેરિકામાં સપ્ટેમ્બર ઈનટેકમાં એડમિન માટે વિદ્યાર્થીઓની પિક સીઝન શરૂ થવાની તૈયારીમાં છે તેવા સમયે જ આ પગલું લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે,રાજ્યભરની યુનિવર્સિટીઓમાં અસંગત અને બિનકાર્યક્ષમ વેરિફિકેશન પ્રક્રિયાને કારણે વારંવાર વિલંબ થતો હોવાથી વિદ્યાર્થીઓ અને કોન્સ્યુલર અધિકારીઓ બંનેને અસર થાય છે.
સામાન્ય રીતે આ પ્રકારની ચકાસણીમાં જે તે દુતાવાસ કે જે વીઝા પ્રક્રિયા તે યુનિ.ને ડીગ્રીઓ મોકલે છે અને તેનું વેરીફીકેશન કરતુ હોય પરંતુ પ્રથમ વખત અમેરિકી કોન્સ્યુલેટ જનરલે ખાસ સુવિધા ઉભી કરવા માંગણી કરી છે.