અમદાવાદ : તાજેતરમાં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસિડેન્સીમાં એક પાલતું રોટવીલર ડોગે રાત્રિના 9:00 વાગ્યાથી 9:30 વાગ્યા દરમિયાન 4 માસની બાળકી પર હુમલો કરી દેતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં લેબ્રાડોર, જર્મન શેફર્ડ, રોટવીલર, સુત્ઝી વગેરે જેવા મધ્યમ અને હાઈ બ્રીડ પેટ ડોગના માલિકો માટે ડોગના વર્તન, ટેવ, સારસંભાળ, મેડિકલ ચેકઅપ અને વેક્સિનેશન સહિત અંગેની જાણકારી આપવા માટે ઓનલાઈન વેબિનાર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં હાથીજણ વિસ્તારની ઘટનામાં પકડાયેલા શ્વાનનું કોર્પોરેશન દ્વારા મેડિકલ પરીક્ષણ અને બિહેવિયર અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં એક બાબત સામે આવી છે કે ડોગ ઓનર પાસે જરૂરી ડોગ બીહેવીયર નું જ્ઞાન ન હતું. શ્વાનને જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવતી નહોતી. આ બાબતને જોતા દરેક ડોગ ઓનરને આ પ્રકારની તાલીમ આપવામાં આવશે. તો આ સાથે મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં નવી પોલીસી પણ તૈયાર કરવામાં આવશે. પોલીસીમાં કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં ડોગ ઓનરને ડોગ બિહેવિયર અંગે જરૂરી જ્ઞાન હોવું જરૂરી, સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવું પડશે, શ્વાન રાખવા માટે જરૂરી જગ્યા હોવી જોઈએ, શ્વાનને કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચાડે તેની તકેદારી રાખવી પડશે. આ મુદ્દાઓ ઉપરાંત વિવિધ મુદ્દાઓને સમાવેશ કરીને આગામી દિવસોમાં ડોગ ઓનર્સ માટે કોર્પોરેશન દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પેટ ડોગના માલિકો પોતાના ડોગના વર્તનથી લઈને તેની યોગ્ય રીતે સારસંભાળ અને તેમની પ્રકૃતિ અંગે માહિતગાર ન હોવાના કારણે પેટ ડોગ દ્વારા હુમલાની ઘટના બનતી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે હવે પેટ ડોગના માલિકોને ડોગ ટ્રેનર અને બિહેવિયર એક્સપર્ટ મારફતે જાણકારી આપવામાં આવશે.
પેટ ડોગ રજીસ્ટ્રેશન નહીં કરાવનાર માલિકને આપવામાં નોટિસ આવશે. નોટિસ આપ્યા બાદ પણ રજીસ્ટ્રેશન નહીં થાય તો કાયદાકીય પગલા ભરવામાં આવશે. ડોગ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 31 મે છે. 31 તારીખ બાદ રજીસ્ટ્રેશનના ચાર્જીસમાં વધારો કરવામાં આવશે.