અમદાવાદ : અમદાવાદમાં દીવ જવા માટે ટેકઑફની તૈયાર કરી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટના એન્જિનમાં અચાનક આગ લાગી ગઈ. વિમાનમાં કુલ 60 મુસાફરો સવાર હતા. આગ લાગવાની માહિતી મળતા જ પાઇલટે એટીસીને ‘મેડે’ કૉલ આપ્યો અને પ્લેનને ટેકઓફ કરતા રોકી દેવામાં આવ્યું હતું.તે બાદ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા અને ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પ્લેનમાં ATC ક્લિયરન્સ મળ્યા બાદ રન વે પર રોલ કરવાનું શરૂ જ કર્યું હતું. આ રોલિંગ બાદ પ્લેન ટેકઓફ કરવા જાય છે પરંતુ ત્યારે ફ્લાઇટના એન્જિનમાં આગ લાગી ગઇ અને પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલને મેડે કોલ આપ્યો હતો.ઉતાવળમાં ફ્લાઇટને ખાલી કરાવવામાં આવી હતી. ઇન્ડિગો પ્રવક્તા અનુસાર, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરતા પાયલોટે અધિકારીઓને જાણકારી આપી હતી અને પ્લેનને પરત ‘બે’માં મોકલી દીધુ છે. ઇન્ડિગોએ કહ્યું કે ફ્લાઇટને ઓપરેશનમાં લાવ્યા પહેલા જરૂરી તપાસ અને મેઇન્ટેનન્સ કરવામાં આવશે.
એરલાઇને ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ માફી માંગી છે અને તેમને બીજી ફ્લાઇટમાં ટ્રાન્સફર અથવા સંપૂર્ણ રિફંડ આપવાની ઑફર કરી છે. સોમવારે, ગોવાથી ઇન્દોર જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં પણ લેન્ડિંગ પહેલાં ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વિમાને સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું.