અમદાવાદ : અમદાવાદમાં શનિવાર મોડી રાતથી અકસ્માતના 3 અલગ અલગ બનાવ બન્યા છે. જેમાં નવા વાડજમાં વ્યાસવાડી ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના બની છે. બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ખાનગી પાસિંગ ધરાવતી સેડાન કારના ચાલકે રિક્ષા ચાલક તથા અન્ય એક વ્યક્તિને અડફેટે લીધા હતા. આ ઘટનામાં રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે કાર, રિક્ષા તથા એક ટુ વ્હીલરને મોટું નુકસાન થવા પામ્યું છે.
બીજી અકસ્માતની ઘટનામાં શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પાસેથી રાજેન્દ્ર બારોટ નામનો 39 વર્ષીય યુવક રહીમ ટેકરાથી આવીને રિવરફ્રન્ટમાં રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન એક બાઇક ચાલકે પૂરઝડપે રાજેન્દ્રને ટક્કર મારી હતી.રાજેન્દ્રને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.રાજેન્દ્રભાઈને માથાના ભાગે હેમરેજ થયું હતું.સવારે 4 વાગ્યે સારવાર દરમિયાન રાજેન્દ્રભાઈનું મોત થયું છે.B ડિવિઝન ટ્રાફિક પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ત્રીજી અકસ્માતની ઘટનામાં શહેરના પાલડી વિશ્વકુંજ ચાર રસ્તા પાસેથી વટવામાં રહેતો આદિલ શેખ નામનો યુવક પોતાનું ટુ વ્હીલર લઈને જઈ રહ્યો હતો.આ દરમિયા પુરઝડપે આવી રહેલી સ્વિફ્ટ કારે આદિલને ટક્કર મારી હતી.આદિલને ટક્કર વાગતા વાહન પરથી પડ્યો હતો.આદિલને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.આ અકસ્માતનો બનાવ વહેલી સવારે 4 વાગ્યે બન્યો હતો.N ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.