અમદાવાદ : રવિવારે મોડી રાતે શહેરના નહેરુનગર પાસે આવેલા ઝાંસી કી રાની બીઆરટીએસ નજીક વધુ એક નબીરા રોહન સોનીએ પૂરપાટ ગાડી ચલાવવાની લ્હાયમાં ટુ વ્હીલર પર જતા બે યુવાનને ઉડાવી દીધા હતા. આ બંને યુવાનોના મોત નીપજ્યા હતા. જ્યારે આજે મંગળવારે સાંજે આરોપી રોહન સોનીને કોર્ટમાં લઈ જવાયો હતો. આ સમયે આરોપી સાથે કોર્ટેમાં ટપલી દાવ કરવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ટપલી દાવ કર્યો હતો. જે બાદ પોલીસ બચાવ કરી કોર્ટ રૂમમાં લઈ ગઈ હતી.કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નહેરુનગર અકસ્માત મામલે આજે (12 ઓગસ્ટ) આરોપી રોહન સોનીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે પોલીસ જ્યારે આરોપીને લઈ મેટ્રો કોર્ટ પહોંચી ત્યારે પોલીસ વાનમાંથી આરોપીને બહાર કાઢતાં જ લોકોએ રોહન સોનીને માર માર્યો હતો. લોકોના મારથી બચાવવા પોલીસ દોડતી દોડતી આરોપીને મેટ્રો કોર્ટમાં અંદર લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આરોપી કારચાલક રોહન સોની વિરુદ્ધ અગાઉ પણ ઓવરસ્પીડ, કારમાં ડાર્ક ફિલ્મ, ડોક્યુમેન્ટ વિના વાહન ચલાવવું અને પોલીસ સાથે ઘર્ષણ જેવા અનેક મેમો નોંધાઈ ચૂક્યા છે.
નોંધનીય છે કે, પોલીસે રોહન સોની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. રોહન સોની વિરુદ્ધ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 106, 181, 125 – A, 125 B, 324-4 અને MV act ની 177, 184 અને 134 – B મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતને નજરે જોનાર સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. રોહન સોની સાથે રેસ કરનારા અન્ય બે મિત્રોની પોલીસે ઓળખ કરી લીધી છે.
અકસ્માતની ઘટના બની તે દિવસે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો રોહન કાર ચલાવતો હતો. તેની ગાડીમાં બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હોય તેવી રીતે ડેકોરેશન કરવામાં આવ્યું હતું. કારમાંથી લેડીઝ બકલ, બેલ્ટ સહિતની સામગ્રી પણ મળી હતી. રોહન સાથે અન્ય છોકરાં-છોકરીઓ કારમાં હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે.