અમદાવાદ : રવિવારે મોડી રાતે શહેરના નહેરુનગર પાસે આવેલા ઝાંસી કી રાની બીઆરટીએસ નજીક વધુ એક નબીરા રોહન સોનીએ પૂરપાટ ગાડી ચલાવવાની લ્હાયમાં ટુ વ્હીલર પર જતા બે યુવાનને ઉડાવી દીધા હતા. આ બંને યુવાનોના મોત નીપજ્યા હતા.જેને લઈને મંગળવારે સાંજે આરોપી રોહન સોનીને કોર્ટમાં લઈ જવાયો હતો. આ સમયે આરોપી સાથે કોર્ટેમાં માર મારવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ટપલી દાવ અને માર માર્યો હતો. આ દરમિયાન મૃતકના પરિજનોએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. જેને લઈને પોલીસે કાર્યવાહી કરી અને પોલીસ સાથે ગેરવર્તણૂક તેમજ કસ્ટડીમાં રહેલા આરોપી પર હુમલો કરવાના આરોપમાં 4 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રવિવારે મોડી રાતે અમદાવાદના નહેરૂનગર ખાતે અકસ્માત સર્જી બે લોકોને કચડી દેનાર આરોપી રોહન સોનીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ જ્યારે આરોપીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર કરવા લઈ જઈ રહી હતી, તે સમયે એકાએક મૃતકોના સગા ત્યાં પહોંચી ગયા અને આરોપીને બહાર કાઢતાની સાથે જ તેને માર મારવા લાગ્યા.આ લોકો બૂમો પાડી રહ્યા હતા કે, ‘ઈસને અપને આદમી કો મારા હૈ, ઈસકો ભી માર ડાલો.’ સમગ્ર ઘટનામાં પોલીસે તમામ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો અને આરોપીને શાંતિથી કોર્ટમાં લઈ જવા માટે કહ્યું. પરંતુ, આ લોકો પોલીસનું સાંભળવા માટે તૈયાર નહતા અને પોલીસ સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યા હતા.
જોકે, મહા મહેનતે પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો અને આરોપીને ચારેય બાજુથી કોર્ડન કરીને કોર્ટ પરિસરમાં લઈ જવામાં આવ્યો. બાદમાં પોલીસ સાથે ઝપાઝપી કરનાર તેમજ કસ્ટડીમાં રહેલા આરોપી પર હુમલો કરવાના કેસમાં 4 લોકો સામે ગુનો દાખલ કર્યો. જેમાં આદિલ શેખ, ઉજેફ અજમેરી, શાહિદ મિર્ઝા અને આયમન અજમેરી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.