અમદાવાદ : રાજ્યમાં દિવસેને દિવસે આપઘાતના બનાવો વધી રહ્યા છે. અમદાવાદના ફેવરિટ પિકનિક સ્પોટ સાબરમતી રિવરફ્રન્ટ પરથી હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે. શુક્રવારે બે વર્ષની બાળકી સાથે માતાએ નદીમાં ઝંપલાવ્યું હતું, જેમાં માતા અને બાળકી બંનેનું મોત નિપજ્યું છે. પરંતું માતાની તરતી લાશ સાથે બાળકી ચોંટી રહેવાના વીડિયો હૃદયસ્પર્શી બની રહ્યાં છે. આ સમગ્ર ઘટનામાં 2 વર્ષીય બાળકોનો શું વાંક? તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદનાં ફેવરિટ પિકનિક સ્પોટ સાબરમતી રિવરફ્રન્ટ પર ગત રોજ સાંજના સુમારે પિન્કીબેન નામની મહિલાએ અગમ્ય કારણોસર તેની 2 વર્ષીય દિકરી સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમને કરતા રેસ્ક્યૂ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. તેમજ ત્યાં હાજર રહેલ લોકો દ્વારા બાળકીને CPR આપતા બાળકી જીવતી થઈ હતી. જે બાદ બાળકીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતું બાળકીનો જીવ બચ્યો ન હતો અને મોડી રાત્રે સારવાર દરમ્યાન બાળકીનું મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, મહિલાની ઓળખ 38 વર્ષીય પિન્કીબેન રાવત હોવાનું ખૂલ્યું છે. જેમણે બે વર્ષની દીકરી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. તેમણે મોત સમયે દીકરીનો હાથ પકડી રાખ્યો હતો, જેથી મોત બાદ તેમની લાશ સાથે દીકરી ચોંટેલી રહી હતી. માતના મૃતદેહ સાથે બાળકી પાણીમાં તરી રહી હતી. આ દ્રશ્ય ભલભલાને સમસમાવી દે તેવા હતા. બાળકી રડી રહી હતી.
રેસ્ક્યુ ટીમના સભ્યો દ્વારા માતા તેમજ બાળકીને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકી જીવીત લાગતા બાળકીને CPR આપવામાં આવ્યો હતો. જે બાદ બાળકી રડવા લાગી હતી. બાળકીનો જીવ બચાવવા માટે તેને તાત્કાલીક પોલીસની ગાડીમાં જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રસ્તામાં જ એમ્બ્યુલન્સ મળતા બાળકીને એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરી સારવાર અર્થે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.