અમદાવાદ : નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલધારકોએ ફરજિયાત લાઇસન્સ લેવું પડશે, આ સાથે જ એમાં કેટલાક કડક નિયમો પણ બનાવાયા છે. એમાં ફૂડ સ્ટોલમાં કર્મીઓ માટે કેપ, હેન્ડગ્લવ્સ, એપ્રેન ફરજિયાત કરાયું છે તથા ચેપી રોગથી પીડાતા ફૂડ હેન્ડલરને સ્ટોલમાં પ્રવેશ અપાશે નહીં.
નવરાત્રિ મહોત્સવ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબનું લાઇસન્સ/રજિસ્ટ્રેશન સત્વર ઝોન/વોર્ડના ફૂડ સેફ્ટી ઓફિસર પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા પર ઓનલાઈન અપલોડ કરી જરૂરી ફી ભરી ઓનલાઇન અરજી કરી લાઇસન્સ/રજિસ્ટ્રેશન ફરજિયાત મેળવી લેવાનાં રહેશે.
લાયસન્સ | રજીસ્ટ્રેશન બાબતે અને તેઓ દ્રારા અનુસરવાની થતી શરતો / નિયમો નીચે મુજબ છે.
૧) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના લાયસન્સ / રજીસ્ટ્રેશન સત્વરે ઝોન / વોર્ડના ફુડ સેફટી ઓફિસર પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા foscos.fssai.gov.in ઉપર ઓનલાઈન અપલોડ કરી જરૂરી ફી ભરી ઓનલાઈન અરજી કરી લાયસન્સ / રજીસ્ટ્રેશન ફરજીયાત મેળવી લેવાના રહેશે.
૨) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના લાયસન્સ / રજીસ્ટ્રેશન મેળવ્યા વગર ખાધ્ય ચીજવસ્તુ ઓનો ધંધો કરવો તે કાયદાકીય ગુના પાત્ર છે.
૩) ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ (રજીસ્ટ્રેશન એન્ડ લાયસન્સીંગ ઓફ ફુડ બીઝનેસીસ) રેગ્યુલેશન-૨૦૧૧ના શિડયુલ ૪ ના નિયમોનું કડક રીતે પાલન કરવાનું રહેશે.
૪) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલ ધારકોએ કેપ, હેન્ડગ્લોવ્સ, એપ્રેન પહેર્યા વગર ખાધ્ય પદાર્થ બનાવવો નહી કે વેચવો નહી.
૫) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલ ધારકોએ પોતાની અંગત સ્વચ્છતા જેવી કે નખ કાપેલા હોવા જોઇએ, વાળ કાપેલા હોવા જોઇએ વિગેરેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
૬) નવરાત્રી મહોત્સવ દરમ્યાન સંચાલકોએ ફુડ સ્ટોલ્સમાં ચેપીરોગ થી પીડાતા કોઇ પણ ફુડ હેન્ડલરને પ્રવેશ આપવો નહી.
૭) નવરાત્રી મહોત્સવ દરમ્યાન પેકીંગ રો-મટીરીયલના લેબલની ખાતરી કરી તેનો ઉપયોગ કરી ખાધ્ય ખોરાક તૈયાર કરવો.
૮) નવરાત્રી મહોત્સવ દરમ્યાન આગ લાગે તેવા સંજોગોમાં અગમ ચેતીના ભાગરૂપે અગ્નિશામક ઉપકરણો અવશ્ય રાખવાના રહેશે.
૯) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવનાર ખાધ્ય ખોરાકને આરોગ્યપ્રદ સ્થિતિમાં જ રાખવાના રહેશે. તેમજ યોગ્ય આવરણથી ખાધ્ય ખોરાકને ઢાંકીને રાખવો.
૧૦) નવરાત્રી મહોત્સવ દરમ્યાન વાસી કે બગડી ગયેલ ખાધ્ય ખોરાક વેચવો નહી અને તેનો સત્વરે નાશ કરવો.
૧૧) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલ્સ ધારકોએ તારીખ વીતી ગયેલ ખાધ્ય પદાર્થ, ઠંડાપીણા, આઈસ્ક્રીમ અને પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટરનો ઉપયોગ કરવો નહી.
૧૨) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલની આસપાસની જગ્યામાં સફાઈનાં ઉચ્ચત્તમ ધોરણોનું પાલન કરવાનું રહેશે. તેમજ સુકા તથા ભીના કચરાના અલગ-અલગ ડસ્ટબીનની વ્યવસ્થા પણ તેઓએ કરવાની રહેશે.