અમદાવાદ : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીની સતર્કતાને કારણે એક મહિલા પ્રવાસીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે એક ચોરને પકડવામાં સફળતા મળી હતી. પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પર રેલવે સુરક્ષા દળ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP)ના કર્મચારીઓએ તેમની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી અમદાવાદ સ્ટેશન પર એક મહિલા મુસાફરનો જીવ બચાવી લેવામાં આવ્યા હતા, જેથી હાજર લોકોએ પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર 25 સપ્ટેમ્બરના રોજ પ્લેટફોર્મ નંબર 1 ઉપર RPFના જવાન બ્રિજેશ કુમાર પોતાની ફરજ ઉપર હાજર હતા. દરમિયાનમાં ટ્રેન નંબર 16336 નાગરકોલાઈ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન આવી હતી. ચાલુ ટ્રેન દરમિયાન એક મહિલા ટ્રેનમાંથી ઊતરવા જતી હતી. એ દરમિયાન તેનો પગ લપસી ગયો હતો તથા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે હતી, ત્યારે ફરજ પર હાજર RPF જવાન, GRPના દર્શિતભાઈ તરત દોડી ગયા હતા અને મહિલાને તરત જ ખેંચી લીધી હતી.જો આ કાર્યવાહી સમયસર ન કરવામાં આવી હોત તો મહિલાને ગંભીર ઇજા થઈ શકતી હતી અને તેની જીવ પણ જોખમમાં પડ્યો હોત.
આ દરમિયાન પ્લેટફોર્મ નંબર 03 પર નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ઉપ નિરીક્ષક સોનુકુમાર સૈની, કૉન્સ્ટેબલ બૃજેશકુમાર અને કૉન્સ્ટેબલ મુકેશએ એક શંકાસ્પદ વ્યક્તિને છુપાઈ જવાનો પ્રયાસ કરતાં જોયો હતો, જેથી તેની પૂછપરછ કરવામાં આવી, પરંતુ તે કોઈ સંતોષજનક જવાબ આપી શક્યો નહીં. તપાસ દરમિયાન તેના પાસે વિવો કંપનીનો એક મોબાઇલ ફોન મળ્યો, જેની અંદાજિત કિંમત રૂ. 10,000/- જેટલી હતી. પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી કે આ મોબાઇલ ફોન કોઈ મુસાફર પાસેથી ચોરાયેલો છે. શંકાસ્પદ વ્યક્તિ ગુનો કરવાની નિયતથી સ્ટેશન પરિસરમાં છુપાયો હતો.