અમદાવાદ : અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ એક લોકપ્રિય પિઝા આઉટલેટને રવિવારે મફત પિઝાની ઓફર પછી લોકોએ ભારે ભીડ કરીને બહાર જાહેરમાં કચરો ફેંક્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને તસવીરો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ તાત્કાલિક કાર્યવાહી કરતા આ આઉટલેટને સીલ માર્યું છે. આ ઘટનાએ નાગરિક જવાબદારી અને પર્યાવરણ જાગૃતિ અંગે ચર્ચા જગાવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં વિનસ કોમ્પ્લેક્સમાં માર્ટિનોઝ પીઝા આઉટલેટ માલિક દ્વારા રવિવારે લોકોને મફતમાં પીઝા આપવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી જેથી 1,000થી વધારે લોકો આ પીઝા લેવા માટે રવિવારે પહોંચ્યા હતા. રવિવારે પીઝા આપવાની જાહેરાત બાદ રોડ ઉપર ત્યાં કચરો થયો હતો. કોમ્પલેક્ષની આગળના ભાગે પીઝા આઉટલેટ દ્વારા કચરો નાખી દેવામાં આવ્યો હતો. જાહેર રોડ ઉપર કચરો ન ફેંકવા અને ડસ્ટબીન રાખવાની સૂચના છતાં પણ આઉટલેટ દ્વારા બહાર રોડ ઉપર કચરો ફેંકી દેવામાં આવ્યો હતો. જેથી, દક્ષિણ-પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ જ્યારે ત્યાં તપાસ માટે ગઈ તો કચરો બહારના ભાગે પડ્યો હોવાથી તાત્કાલિક ધોરણે તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરને સૌથી સ્વચ્છ શહેર તરીકેનું સ્થાન મળ્યું છે પરંતુ, કેટલાક લોકો દ્વારા જાહેર રોડ ઉપર કચરો ફેંકવામાં આવે છે. માર્ટિનોઝ પીઝા આઉટલેટની બેદરકારી સામે આવતા કોર્પોરેશનની ટીમે કડક કાર્યવાહી કરી અને સીલ મારી દેવામાં આવ્યું છે. હવે જાહેર રોડ પર કોઈપણ વેપારી કે લારી-ગલ્લાવાળા અને પાથરણાવાળા જુઓ કચરો ફેંકશે અથવા તો ડસ્ટબીન નહીં રાખે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરી અને તેમના માલ-સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરશે. જેથી, હવે દરેક વેપારીએ ડસ્ટબીન રાખવા પડશે અને રોડ ઉપર કચરો ફેકશે તો દંડથી લઈને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.