અમદાવાદ : દિવાળીના તહેવાર પહેલાં અને તહેવાર દરમિયાન મીઠાઈઓનું વેચાણ વધી જાય છે, જેથી ભાવ પણ આસમાને પહોંચતા હોય છે. જોકે, દિવાળી પહેલાં મીઠાઈની ખરીદી નહીં, પરંતુ ચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદમાં જાણીતી દુકાનમાંથી કાજુ કતરીના બોક્સની ચોરી થઈ હતી, જ્યારે તેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. સમગ્ર મામલો શું છે? આવો જાણીએ.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પાલડી સુખીપુરા ગાર્ડન ખાતે અમુલનું પાર્લર આવેલ છે. દુકાનમાલિક રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. સવારે 6 વાગે તેમને ગાર્ડનના સિક્યુરિટી ગાર્ડે ફોન કરીને જાણ કરી હતી કે તમારી દુકાનના પાછળના ભાગે એક્ઝોસ ફેનની જાડી તોડીને કોઈ અંદર ઘૂસીને ચોરી કરી છે. જેથી બાબુલાલ પરમાર પાર્લર પર પહોંચ્યા હતા. પાર્લરમાં તમામ સામાન વેરવિખેર પડ્યો હતો અને અંદર ચોરી થઈ હતી. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
દિવાળી પહેલાં પાલડીના અમુલ પાર્લરમાંથી ‘કાજુ કતરી’ના બોક્સ ચોરાયા pic.twitter.com/pKmaVID70t
— Himanshu Chavada (@HimanshuHamraaz) October 8, 2025
સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે, ચહેરા પર કાળું કપડું બાંધીને ચોર દુકાનમાં પ્રવેશે છે. જેમાં ચોર સૌથી પહેલા રૂપિયાનું ડ્રોવર ખોલે છે અને તેમાંથી રોકડ રકમ ગણીને પોતાના ખિસ્સામાં મૂકે છે. ત્યારબાદ તે કાજુ કતરી અને ઘીના પાઉચ ચોરી લે છે. ચોરીની આ ઘટનાને લઈને પાલડી પોલીસે ફરિયાદ નોંધી છે.
સીસીટીવી ફૂટેજના આધારે પાલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મીડિયાને જણાવ્યું કે તહેવારોના દિવસો દરમિયાન લોકો બહાર ફરવા જાય છે. એવામાં ચોરીની ઘટનાઓ વધી જાય છે.