અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર માતા-પિતા માટે ચોકાવનારા કિસ્સા સામે આવ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી અને એનેસ્થેસિયા વિભાગના ડોક્ટરોની કુશળતાના કારણે બે માસૂમ બાળકોને નવું જીવન મળ્યું છે. એક વર્ષથી નાના આ બે બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા જટિલ બાહ્ય પદાર્થને સફળ બ્રોન્કોસ્કોપી દ્વારા બહાર કાઢી શકાયો છે.
પ્રથમ કિસ્સાની વાત કરીએ તો મધ્યપ્રદેશના નિમચના રહેવાસી રાકેશભાઈ અને રાધાબેનના 9 મહિનાના પુત્ર જયદીપને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. એક્સ-રે અને સીટી સ્કેનમાં તેની ડાબી શ્વાસનળીમાં ફોરેન બોડી હોવાનું જાણવા મળ્યું. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને પીડિયાટ્રિક સર્જરીના એચઓડી ડો. રાકેશ જોષી અને એનેસ્થેસિયા વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો. ભરત મહેશ્વરીની ડોક્ટરોની ટીમે સફળ બ્રોન્કોસ્કોપી કરી બાળક જયદીપની શ્વાસનળીમાંથી સોપારીનો ટુકડો બહાર કાઢ્યો.
જયારે બીજો કિસ્સામાં ભરૂચના મુકેશભાઈ પટેલ અને હીરકબેનનો 11 મહિનાનો પુત્ર રિયાંશ શરદી-ઉધરસથી પીડાતો હતો. સ્થાનિક સારવાર બાદ બાળકને સુરત અને ત્યાંથી 15 ઓગસ્ટના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. અહીં પણ સીટી સ્કેન કરાવ્યા બાદ ડો. રાકેશ જોષી અને એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડો. શકુંતલાની ટીમે સફળ બ્રોન્કોસ્કોપી કરીને બાળકની શ્વાસનળીમાં ફસાયેલો રમકડામાં વપરાતો એલઇડી બલ્બ દૂર કર્યો.
પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટરોએ આ જટિલ ઓપરેશનોને સફળતાપૂર્વક પાર પાડીને બે જીવન બચાવ્યા છે. જોકે, વારંવાર ચેતવણી છતાં ફરી એકવાર એક વર્ષથી નાના બે બાળકોમાં શ્વાસનળીમાં વસ્તુ જતી રહેવાના કિસ્સા સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યા છે, જે માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.
તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, વારંવાર બનતા આવા કિસ્સાઓ પરથી માતા-પિતાએ બોધપાઠ લેવાની જરૂર છે. બાળક સમજણું ન થાય ત્યાં સુધી સતત ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે રમતાં-રમતાં મોઢામાં મૂકેલો નાનો પદાર્થ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.