અમદાવાદ : ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ અને મોટી માત્રામાં રસાયણો જપ્ત કરવામાં આવ્યા છે. ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક, ડૉ. અહેમદ સૈયદ, ડૉક્ટર છે. ડૉ. અહેમદે ચીનથી MBBSની ડિગ્રી મેળવી હતી. ડૉ. અહેમદ પોતે હૈદરાબાદના છે, જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને ઉત્તર પ્રદેશના છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સૈયદ નામના આરોપીની પૂછપરછમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સૈયદે આ સામગ્રી રાજસ્થાનના હનુમાનગઢમાં રહેતા બે અન્ય આરોપીઓ, આઝાદ અને સોહિલ પાસેથી મેળવી હતી. હૈદરાબાદ પરત ફર્યા પછી, તે સાયનાઇડ કરતાં પણ વધુ ખતરનાક ઝેર બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, ઝેર પાવડર સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને ખોરાકમાં ભેળવવાનો હતો.
પકડાયેલા આતંકીની વધુ પૂછપરછ કર્યા બાદ બનાસકાંઠાથી બે શકમંદોની પૂછપરછ કરવામાં આવતા તેમનો પણ તેમાં રોલ જણાઈ આવ્યો હતો. આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામ છે. આ બન્ને યુપીના રહેવાસી છે. આ લોકો દ્વારા હથિયારની ડિલિવરી કલોલ ખાતે અવાવરું જગ્યાએ મૂકવામાં આવી હતી. જેની રિકવરી હૈદરાબાદથી આવેલા આતંકી દ્વારા કરવામાં આવી હતી.
આતંકીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમણે દેશના કેટલાક સંવેદનશીલ શહેરોની રેકી કરી હતી. હૈદરાબાદના આતંકીની વધુ પૂછપરછ કરવામાં આવતાં જણાઈ આવ્યું હતું કે, રાઈઝિન નામના ખૂબ જ ઝેરી પદાર્થને બનાવવામાં આવ્યું હતું. જેના પૂરાવા તેના ફોનમાંથી મળી આવ્યા છે. આ આતંકીના 17 તારીખ સુધીના રિમાન્ડ મળ્યા છે. જ્યારે અન્ય બે આતંકીને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.


