અમદાવાદ : દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ દેશમાં સુરક્ષાને લઈ સતર્કતા વધારવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે સુરક્ષા ચેકિંગની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી છે. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ પોતાના નિર્ધારિત પ્રસ્થાન સમય કરતાં ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચે, જેથી ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયામાં વિલંબ ન થાય.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવે સેફટી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. SVPIA દ્વારા પેસેન્જર સ્ક્રીનીંગ પ્રોટોકોલ વધારવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે પ્રવેશ અને બોર્ડિંગ પહેલાં મુસાફરોનું ચેકિંગ પહેલાં કરતાં વધુ સઘન અને કડક બનાવવામાં આવ્યું છે.સુરક્ષા એજન્સીઓ ખાસ કરીને સંદિગ્ધ વસ્તુઓ અને વ્યક્તિઓને રોકવા અને પકડવા માટે સતત પ્રયાસ કરી રહી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને બનતી અટકાવી શકાય. એરપોર્ટના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના પોઈન્ટ્સ પર સુરક્ષા કર્મચારીઓની સંખ્યા અને તકેદારી વધારી દેવામાં આવી છે.
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દ્વારા મુસાફરોને ધ્યાનમાં રાખીને એક પેસેન્જર એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. એડવાઇઝરીમાં સ્પષ્ટ જણાવાયું છે કે, વધેલા સુરક્ષા પગલાંને કારણે સમયનો વ્યય ન થાય તે માટે, મુસાફરોએ તેમની ફ્લાઇટના નિર્ધારિત શિડ્યુલ સમય પહેલાં જ એરપોર્ટ ઉપર પહોંચી જવું.મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સરકાર માન્ય ફોટો ઓળખ દસ્તાવેજો સાથે રાખે અને સુરક્ષા કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપે. દરેક મુસાફરને બોર્ડિંગ પહેલાં સુરક્ષા તપાસમાંથી પસાર થવું ફરજિયાત રહેશે.
મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના નિર્ધારિત પ્રસ્થાન સમય પહેલા પહોંચી જાય અને સુરક્ષા કર્મચારીઓને સહકાર આપે. અમારા મુસાફરો અને એરપોર્ટ કર્મચારીઓની સલામતી અને સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સુરક્ષા અને સેફટીને ધ્યાને રાખીને, એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓને પૂરો સહકાર આપે અને ચેકિંગ પ્રક્રિયા દરમિયાન ધીરજ જાળવી રાખે.


