અમદાવાદ : દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં ભાગદોડ થઈ ગઈ છે. ભયંકર વિસ્ફોટ થતાં કારમાં ભીષણ આગ લાગી હતી. દિલ્હીમાં બ્લાસ્ટને લઈને આઠ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ફાયર બિગ્રેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અમદાવાદમાં પણ હવે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર દ્વારા અમદાવાદમાં તમામ પોલીસને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. શહેરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા પોલીસને એલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે.અમદાવાદ સિવાય વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર દ્વારા રાજ્યના મોટા શહેરોમાં પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં હાઈએલર્ટ જાહેર કરાયુ છે. જેના પગલે, શહેર પોલીસ ચેકીંગ શરૂ કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચ ટીમ પણ શહેરના રસ્તા ઉપર ઉતરી આવી છે. ક્રાઈમ બ્રાન્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં ચેકીંગ શરૂ કર્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ બિનવારસી વાહનો તપાસ શરૂ કરી છે. હોટલ, જાહેર સ્થળો પર પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. કારંજ ભદ્રકાળી મંદીર પાસે ચેકીંગ શરૂ કરાયું છે. જુહાપુરામાં પણ પોલીસે વાહન ચેકીંગ શરૂ કર્યું છે.
મહત્વનું છે કે લાલ કિલ્લો વિસ્તાર અને તેની નજીક આવેલું ચાંદની ચોક માર્કેટ દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનું એક છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો અહીં ખરીદી અને અવરજવર માટે આવતા હોય છે. વિસ્ફોટનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક બાબતોની તપાસ કરી રહી છે. હાલમાં ઈજાગ્રસ્તો નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


