અમદાવાદ : અમદાવાદ શહેરમાં AMC વધુ એક અનોખો પ્રોજેક્ટ શરૂ કરશે. AMC દ્વારા રસોડાના કચરામાંથી સીએનજી અને નોન-વેજ કચરામાંથી પશુ આહાર બનાવવાનો પાયલટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરાશે. અમદાવાદમાં દરરોજનો આશરે 5000 ટનથી વધુ ઘન કચરો ઉત્પન્ન થાય છે. જેમાં રસોડાના કચરાનો મોટો હિસ્સો સામેલ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની 2850 હોટલો અને રેસ્ટોરન્ટ્સમાંથી દરરોજનો આશરે 5000 ટનથી વધુ ઘન કચરો ઉત્પન્ન થાય છે. જેમાં રસોડાના કચરાનો મોટો હિસ્સો સામેલ છે. આ કચરાનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવા અને ટકાઉ ઊર્જાને પ્રોત્સાહન આપવાના બેવડા લક્ષ્યો સાથે, મ્યુનિસિપલ કોર્પોરેશને આ કચરામાંથી બાયોગેસનું ઉત્પાદન કરવાનો અને તેમાંથી સીએનજી બનાવવાનો નિર્ણય લીધો હતો. 100 મેટ્રિક ટન ઓર્ગેનિક કચરા પર પ્રોસેસ કરવા માટેના ટેન્ડરો પહેલેથી જ બહાર પાડવામાં આવ્યા હતા..
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ગેસનો ઉપયોગ AMTS બસો માટે કરવામાં આવશે. તેને પ્રોસેસિંગ સુવિધા સુધી પાઇપલાઇન દ્વારા સપ્લાય કરવામાં આવશે. શરૂઆતમાં, આ કોન્ટ્રાક્ટમાં 100 મેટ્રિક ટન કચરાનો સમાવેશ થશે. આ પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતી સ્લરીનો ઉપયોગ મ્યુનિસિપલ ગાર્ડનસમાં ખાતર તરીકે કરવામાં આવશે.
આ ઉપરાંત શહેરમાં દરરોજ 5 મેટ્રિક ટનથી વધુ નોન-વેજ કચરો ઉત્પન્ન થાય છે, જેમાં રાંધવા માટે ઉપયોગમાં ન લેવાતા પ્રાણીઓના ભાગોનો સમાવેશ થાય છે. આ કચરાનો નિકાલ એક સતત સમસ્યા રહી છે, જેને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને તેના પર પ્રક્રિયા કરવા માટે એક પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો.
સૂત્રો મુજબ, પશુ આહાર ઉત્પન્ન કરવા માટે આ કચરાને વૈજ્ઞાનિક રીતે ટ્રીટ કરવામાં આવશે. દેશમાં હાલમાં આવો માત્ર એક જ પ્લાન્ટ છે, અને AMCની આ રીતે બીજો પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના છે. આ પહેલ કચરામાં નોંધપાત્ર ઘટાડો કરશે અને સાથે જ રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપશે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે, AMC દ્વારા પીપળજ ખાતે દર કલાકે 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો ‘વેસ્ટ-ટુ-એનર્જી’ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. 375 કરોડના ખર્ચે બનેલી આ સુવિધા ખાનગી ધોરણે સંચાલિત થઈ રહી છે.


