અમદાવાદ : બોપલ વિસ્તારના રહેવાસીઓ માટે ખુશીના સમાચાર છે. શહેરને વધુ એક સુંદર અને વિશિષ્ટ થીમ આધારિત ગાર્ડનની ભેટ મળવા જઈ રહી છે. શહેરને વધુ એક સુંદર અને વિશિષ્ટ થીમ આધારિત ગાર્ડનની ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાઉથ બોપલ ખાતે અંદાજે 11,600 ચોરસ મીટરની વિશાળ જગ્યામાં તૈયાર કરાયેલા અદ્યતન ગાર્ડનનું લોકાર્પણ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. આ નવનિર્મિત ગાર્ડનનું લોકાર્પણ આગામી 13 નવેમ્બરના રોજ કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાઉથ બોપલ વિસ્તારમાં AMC દ્વારા ઇલેક્ટ્રોથર્મ કંપની સાથે પીપીપી ધોરણે ગાર્ડનના ફરતે અને વચ્ચે ચાલી શકે તેવા વોકિંગ ટ્રેક બનાવવામાં આવેલા છે. સવારના સમયે લોકો કસરત કરી શકે તેના માટે ઓપન જીમ પણ બનાવવામાં આવેલું છે. ગાર્ડનમાં નાના તળાવ જેવું પણ બનાવવામાં આવેલું છે જેથી તળાવની ફરતે ચાલતા હોય તેવી અનુભૂતિ થાય અને લોકોને ગાર્ડનમાં ચાલવાની મજા પડશે. ગાર્ડનમાં ખાસ કરીને નાના બાળકોને આજના કોમ્પ્યુટર યુગમાં ભુલાઈ ગયેલી જૂની રમતોને યાદ અપાવે એવી રમતો રમી શકે તેના માટેનો વિભાગ બનાવવામાં આવ્યો છે.AMC દ્વારા આ ગાર્ડનને લગભગ રૂ 4.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જે બોપલ વિસ્તારના રહીશો માટે એક મહત્વની સુવિધા બની રહેશે.
આ ગાર્ડનની સૌથી મોટી વિશેષતા તેની ‘વિસરાતી ગેમ્સ’ની થીમ છે. આ થીમ સાથે ગાર્ડનમાં બાળકો માટે એક સ્પેશિયલ સેક્શન તૈયાર કરવામાં આવ્યો છે. આ સેક્શનમાં આજના ડિજિટલ યુગમાં વિસરાઈ રહેલી પરંપરાગત રમતોને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ખાસ સેક્શનમાં સાપસીડી, પગથિયાં (લંગડી) અને ઉઠક બેઠકની ડિઝાઇનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બાળકોને આકર્ષવા માટે અહીં ગુફાઓના સ્ટ્રક્ચર સહિતનું આકર્ષક બાંધકામ પણ કરવામાં આવ્યું છે. આ થીમ આધારિત વિભાગ બાળકોને શારીરિક પ્રવૃત્તિ સાથે જોડશે અને તેમને ભારતીય પરંપરાગત રમતોથી પરિચિત કરાવશે.
સાઉથ બોપલ વિસ્તારમાં બનાવવામાં આવેલા આ ગાર્ડનમાં ફુવારો પણ બનાવવામાં આવેલો છે જેનાથી આ ગાર્ડનની શોભા ખૂબ વધશે. સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ગાર્ડન નાગરિકો માટે ખુલ્લો રહેશે. ગાર્ડનમાં અંદાજિત 21 પ્રકારના મોટા વૃક્ષ અને 14 પ્રકારના ફળ અને ફૂલોના છોડ વાવવામાં આવ્યા છે. કુલ 1200 મોટા વૃક્ષ અને 1800 નાનાં ઝાડ છે. આ ગાર્ડનમાં સૌથી વધારે લોકોને ચાલવા અને બેસવાની મજા પડી જશે અને રાત્રિના સમયે પણ ગાર્ડન ઝળહળી ઊઠે એવી લાઈટ રહેશે.


