અમદાવાદ :આવકવેરા વિભાગના નિવૃત આસિસ્ટન્ટ કમિશનર અને વરિષ્ઠ સનદી અધિકારી શ્રી ઉમેશ પાઠકના કાર્યો અને સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં તેમના અદ્વિતીય યોગદાનને ઉજાગર કરતા પુસ્તકનું તાજેતરમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલ એક સ્પોર્ટ્સ ક્લબમાં વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ એક વિશેષ સમારંભમાં ઉમેશ પાઠકના કાર્યો અને સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં યોગદાનને ઉજાગર કરતા પુસ્તક ‘ઈન સર્વિસ એન્ડ સ્પિરિટ : ધ લેગસી ઉમેશ પાઠક’ નું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ સમારંભમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અજય પટેલ, ઈન્ટરનેશનલ એથ્લેટિક ફેડરેશનના સભ્ય આદિલ સુમારીવાલા, આવકવેરા કમિશનર દુર્ગાદત્ત, જયેશ મોદી અને કોકોનટ ફિલ્મ્સના રશ્મિન મજિઠિયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ઉમેશ પાઠકને શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી ઉમેશ પાઠક 31 ઓક્ટોબરે નિવૃત્ત થયા હતા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે આવકવેરા વિભાગમાં અનેક નવી શરુઆત કરી હતી અને સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ રહ્યા હતા.તેઓને વય નિવૃતિની અનેક શુભેચ્છાઓ.

આ પ્રસંગે ઇનક્મટેક્સ ઇન્સ્પેક્ટરથી માંડી સહાયક કમિશ્નરની પોતાની સર્વિસના સેવાકાળ દરમિયાન રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ ક્ષેત્રે પોતાના અમુલ્ય યોગદાન બદલ ઇનક્મટેક્સ ડિપાર્ટમેન્ટે એમની સિદ્ધિ બિરદાવી હતી.
આ ઉપરાંત બિલિયર્ડ્સના જાણીતા ખેલાડી ગીત સેઠીએ તેમના સંદેશમાં જણાવ્યું કે શ્રી ઉમેશ પાઠકનો રમતજગતનો અભ્યાસ અને ખેલાડીઓને મદદ કરવાની તેમની લાગણી દરેક મુલાકાતમાં સ્પષ્ટ જણાતી હતી.
રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પણ શ્રી ઉમેશ પાઠકની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે અનેક યુવા ખેલાડીઓને પ્રેરણા આપી છે અને રમત ક્ષેત્રે તેમના યોગદાનને ભૂલવું શક્ય નથી.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે શ્રી ઉમેશ પાઠકના ક્રિકેટ ક્ષેત્રના યોગદાનની વાત કરતાં જણાવ્યું કે તેઓ પોતે ખાસ કરીને રણજી ટ્રોફીમાં પાઠકની ખેલાડી તરીકેની સફરના સાક્ષી રહ્યા છે.
આ પુસ્તકનું વિમોચન માત્ર એક અધિકારીના કામોને દર્શાવવા માટે જ ન હતું, પરંતુ તે એવો સંદેશ આપતો પ્રસંગ પણ હતો કે સરકારી સેવાની સાથે કલા અને રમતગમત સહિતના ક્ષેત્રમાં પણ મહત્વનું યોગદાન આપી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ઉમેશભાઇ જે.પાઠક Income-Tax, CBI, NCB અને BCCI જેવા ભારતના પ્રતિષ્ઠિત સરકારી વિભાગોમાં 38 વર્ષની દીર્ઘકાલીન અને પ્રેરણાદાયી ફરજો બજાવી છે. મિર્ચી ન્યૂઝ પરિવાર તેઓને વય નિવૃત્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવે છે….


