અમદાવાદ : અમદાવાદમાં ગુનેગારો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા માટે ચોરી કરેલા વાહનોના ઉપયોગને રોકવા અને શહેરની કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું ખાસ કરીને શહેરના તમામ ગેરેજ અને વાહન રિપેરિંગ સેન્ટર્સના માલિકોને લાગુ પડશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. માલિક દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે. કારણ કે ગેંગના સભ્યો ગુનાખોરી માટે ચોરી કરેલા વાહનનો ઉપયોગ કરતા હોય છે. તેમજ પોલીસથી બચવા માટે ચોરી કરેલા વાહનોનું મોડીફિકેશન કરવી દેતા હોય છે. પરંતુ જો મોડીફિકેશન થયા બાદ પણ વાહનોની પૂર્તિ વિગતો હોય તો પોલીસને ગુનેગારો સુધી પહોંચવામાં સરળતા થતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને કોઈ મોટી ઘટના ન બને તે માટે પહેલાથી જ સતર્ક થઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તમામ નિયમોનું પાલન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદના નાગરિકોની સલામતી, તેમજ વાહનોની ગેરકાયદેસર હેરફેર, મોડીફિકેશન માટે આવતા તમામ વાહનોનું અને જે તે વાહન માલિકનું વિગતો સાથેનું રજિસ્ટર્ડ મેન્ટેન રાખવા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે:
રજિસ્ટર્ડમાં શું શું વિગતો મેન્ટેન રાખવી પડશે?
વાહનનો પ્રકાર અને તેની કંપનીનું નામ
વાહનનો રજિસ્ટ્રેશન નંબર
એન્જિન નંબર
ચેસીસ નંબર
વાહન માલિકનું નામ, સરનામું અને મોબાઇલ નંબર તથા ઓળખકાર્ડની વિગતો
વાહન જે તે ગેરેજ કે સર્વિસ સ્ટેશનમાં મુક્યા તારીખ
વાહન ગેરેજમાંથી લઇ જવાની તારીખ
ગેરેજ સર્વિસ સ્ટેશનમાં વાહન આપનાર અને લઇ જનારનું નામ સરનામું અને વિગતો
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા આ તમામ વિગતો સાથેનું એક રજિસ્ટર્ડ મેન્ટેન રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
જાહેરનામું બહાર પાડવાનો શું છે હેતુ?
અમદાવાદ પોલીસ દ્વારા આ કડક પગલું લેવા પાછળનો મુખ્ય હેતુ ગુનાખોરી પર નિયંત્રણ લાવવાનો છે. અવારનવાર જોવા મળે છે કે ચોરી કરેલા વાહનોનો ઉપયોગ લૂંટ, ચેઇન સ્નેચિંગ અને અન્ય ગંભીર ગુનાઓ આચરવા માટે કરવામાં આવે છે. ગેરેજમાં આવતા પ્રત્યેક વાહનના ડેટાની નોંધણી ફરજિયાત કરવાથી, ગુનેગારોને ટ્રેક કરવામાં અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવામાં પોલીસને સરળતા રહેશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે પોલીસે તમામ ગેરેજ માલિકોને અપીલ કરી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


