અમદાવાદ : આખરે જે ક્ષણની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ઘડીને સત્તાવાર મહોર લાગી ગઈ છે. હા, અમદાવાદ હવે વર્ષ-2030માં આયોજિત થનારા કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આ અંગેની જાહેરાત આજરોજ ગ્લાસગ્લો, સ્કોટલેંડ ખાતે આયોજિત ‘કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી’ની બેઠકના અંતે કરવામાં આવી છે. આ ક્ષણ સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્કૉટલેન્ડના ગ્લાસગો શહેરમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનની (CGF) જનરલ એસેમ્બલીની બેઠકમાં આ અંગેનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં અમદાવાદની યજમાની માટેની દરખાસ્ત પર ચર્ચા-વિચારણા કરવામાં આવી અને તેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. આ સાથે જ આ મેગા ઇવેન્ટ માટે અમદાવાદના નામની જાહેરાત સત્તાવાર રીતે કરી દેવામાં આવી હતી.
ગુજરાત સરકાર અને ભારત માટે આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટના છે. ગુજરાતના યુવા પ્રતિભાઓ અને ખેલ-ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે જાણીતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી (DyCM) હર્ષ સંઘવી આ ગ્લાસગો ખાતેની જનરલ એસેમ્બલીની બેઠકમાં વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગુજરાતની તૈયારીઓ, વિશ્વકક્ષાના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યજમાની કરવાની ક્ષમતાનું પ્રભાવશાળી પ્રસ્તુતિ આપી હતી.
આ બેઠકમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના મહત્ત્વપૂર્ણ સભ્યો તેમજ ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમણે ગુજરાતની દરખાસ્તને મજબૂત સમર્થન આપ્યું હતું. આ જાહેરાત બાદ રાજ્યમાં અને દેશભરમાં રમતગમત સાથે સંકળાયેલા લોકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ મેગા ઇવેન્ટ ગુજરાતમાં પ્રવાસન, રોજગારી અને આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે.
અમદાવાદ ખાતે આયોજિત થનારી કોમનવેલ્થ ગેમ્સ 2030, ગુજરાતને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવામાં અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબિને વધુ મજબૂત બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.


